DGP Vikas Sahay extension: ગુજરાત પોલીસ દળના વડા (DGP) વિકાસ સહાય આજે (જૂન 30, 2025) વય નિવૃત્ત થઈ રહ્યા છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા તેમને વધુ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, જો તેમને એક્સટેન્શન નહીં મળે તો રાજ્યના નવા પોલીસવડા કોણ બનશે તે અંગે પણ અટકળો તેજ બની છે.

એક્સટેન્શનની શક્યતા અને નવા નામો

ગૃહ વિભાગમાં IPS અધિકારીઓ માટે DGP નો હોદ્દો સર્વોચ્ચ ગણાય છે. હાલમાં, વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે. પરંતુ, જો કોઈ કારણસર તેમને એક્સટેન્શન ન મળે તો નવા DGP માટે કેટલાક નામો ચર્ચામાં છે. સિનિયોરિટી પ્રમાણે, ડો. કે.એલ.એન. રાવ અને તેમના પછી સરકારની નજીક ગણાતા જી.એસ. મલિક (અમદાવાદ શહેર પોલીસ કમિશનર) નું નામ DGP પદ માટે અગ્રેસર હોવાનું મનાય છે.

રાજ્ય સરકાર જો DGP નો નિર્ણય ન લઈ શકે, તો 'ઈન્ચાર્જ DGP' ની નિમણૂક પણ કરી શકે છે. જોકે, આ સામાન્ય ગાઈડલાઈનમાં આવતું નથી, પરંતુ ખાસ સંજોગોમાં સરકાર આ નિર્ણય લઈ શકે છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં બે DGP ને એક્સટેન્શન મળી ચૂક્યા છે, જે વર્તમાન ચર્ચાઓને વધુ વેગ આપે છે. વિકાસ સહાયના નિવૃત્તિ દિવસ અને સંભવિત એક્સટેન્શન અંગેની સત્તાવાર જાહેરાત પર સૌની નજર રહેશે.

DGP પદના મુખ્ય દાવેદારો અને તેમની સિનિયોરિટી

આ પદની રેસમાં સૌથી મોખરે ડૉ. કે.એલ.એન. રાવ નું નામ ચાલી રહ્યું છે, જેઓ સિનિયોરિટીમાં સૌથી આગળ છે અને ઓક્ટોબર 2027 માં નિવૃત્ત થવાના છે. આ ઉપરાંત, અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ આ રેસમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. 1993 બેચના અનુભવી IPS અધિકારી જી.એસ. મલિકે અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે અને તેઓ નવેમ્બર 2028 માં નિવૃત્ત થવાના છે.

વિકાસ સહાય પછી સિનિયર અધિકારીઓમાં મનોજ અગ્રવાલ નું નામ પણ ચર્ચામાં છે. મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર 2025 માં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, તેમને ત્રણ મહિના માટે DGP નો ચાર્જ સોંપાઈ શકે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ સિવાય, ડૉ. શમશેર સિંઘ અને ડૉ. નિરજા ગોટરૂ ના નામ પણ નવા DGP ની રેસમાં સામેલ છે. શમશેર સિંઘ હાલ ડેપ્યુટેશન પર છે અને તેઓ વર્ષ 2026 માં, એટલે કે નિવૃત્તિને લગભગ 9 મહિના બાકી છે.

સામાન્ય રીતે, રાજ્યના પોલીસવડા તરીકે એવા IPS અધિકારીની પસંદગી થાય છે જે સરકારની 'ગુડ બુક' માં હોય, કારણ કે તેમને બે વર્ષ સુધી બદલવા મુશ્કેલ હોય છે. જોકે, જો રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે કાયમી DGP નો નિર્ણય ન લઈ શકે, તો નવા 'ઈન્ચાર્જ પોલીસવડા' ની નિમણૂક પણ થઈ શકે છે.