CM Gujarat Complaint Online 2026: જો તમારે સરકારી કામકાજને લગતી કોઈ મોટી સમસ્યા કે ફરિયાદ હોય અને તમે સીધી જ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના સીધા નિવારણ માટે આગામી 23 જુલાઈ 2026, ગુરુવારના રોજ 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે પણ આ તારીખ નોંધી લેજો, કારણ કે અહીં તમે રૂબરૂ જઈને પોતાની ફરિયાદ સરકારના સર્વોચ્ચ સ્તરે પહોંચાડી શકો છો.
નોંધનીય છે કે, સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003 માં આ ઓનલાઇન જનફરિયાદ નિવારણ (સ્વાગત) પોર્ટલ અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ જ પરંપરાને આગળ વધારતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે આ 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ નિયમિતપણે યોજવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ-2026 માસનો આ કાર્યક્રમ હવે 23મી જુલાઈએ યોજાવા જઈ રહ્યો છે.
રજૂઆત ક્યાં અને કેવી રીતે કરશો?
જો તમે આ 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં તમારી રજૂઆત કે ફરિયાદ નોંધાવવા માંગતા હોવ, તો તમારે ગુરુવાર, 23 જુલાઈના રોજ સવારે 8:00 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ગાંધીનગર પહોંચવાનું રહેશે. નાગરિકોએ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા 'મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ'માં રૂબરૂ જઈને પોતાની અરજી આપવાની રહેશે. અરજદારોએ ખાસ ધ્યાન રાખવું કે પોતાની ફરિયાદ નોંધાવવા માટે સવારે 11:00 વાગ્યા સુધીમાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે અચૂક પહોંચી જવું.
આ પણ વાંચોઃ અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
બપોર બાદ મુખ્યમંત્રી જાતે સાંભળશે પ્રશ્નો
સવારના સત્રમાં નાગરિકોની તમામ અરજીઓ અને રજૂઆતો સ્વીકાર્યા બાદ, ગુરુવારે બપોર પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ (રૂબરૂ) ઉપસ્થિત રહેશે. તેઓ અરજદારો દ્વારા આવેલી ફરિયાદોને વ્યક્તિગત રીતે અને ધ્યાનપૂર્વક સાંભળશે. એટલું જ નહીં, નાગરિકોના પ્રશ્નોના હકારાત્મક અને સત્વરે નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી નિર્દેશો પણ આપશે.
આ પણ વાંચોઃ પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
