Banaskantha:  બનાસકાંઠાના ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા એક સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી ફાયરિંગ કર્યું હતું. તેમનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે આ ફાયરિંગ એરગન કે અન્ય હથિયારથી કરવામાં આવ્યું છે તેને લઇને અસ્પષ્ટ છે. વાયરલ વીડિયોની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી.



પાલનપુર પાલિકાને વીજ કંપનીની નોટિસ


પાલનપુર પાલિકાને 2.21 કરોડ બાકી વિજબીલ ભરવા વીજ કંપનીએ 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. પાલનપુર નગરપાલિકાના વોટર વર્કસના 55 વીજ જોડાણનું 2.21 કરોડ વીજ બિલ બાકી હોવાથી વીજ કંપનીએ બિલ ભરવા અંતિમ નોટિસ આપી હતી. પાલનપુર પાલિકા વોટર વર્કસનું બાકી લેણું 72 કલાકમાં નહિ ભરે તો કંપનીએ વીજ કનેકશન કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી.


રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજનાની મોટી વાતો કરી છે પરંતુ હજુ પણ અંતરિયાળ ગામડાઓ સુધી આ યોજના પહોંચી નથી. ખેડૂતોને પિયત માટે વીજળી રાત્રે ફાળવવામાં આવતા કડકડતી ઠંડીમાં ખેતી કરવા મજબૂર બનવું પડે છે. 

બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઠંડીમાં પણ રાત્રે જગતનો તાત ખેતી કરી રહ્યો છે.  ધાનેરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે વીજ પુરવઠો ખેતી માટે ફાળવવામાં આવતા જગતનો તાત મજબૂર બન્યો છે. ધાનેરાના માલોતરા ગામના રાત્રે 9 વાગ્યે વીજળી આવતાની સાથે જ ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ ખેતી કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો તમાકુ,ઘઉં, રાયડો સહિતના શિયાળુ પાકોને પિયત આપવા કડકડતી ઠંડીમાં ખેતરે જાય છે.


વર્લ્ડ એન્ટી કરપ્શન ડેના દિવસે જ છટકામાં ઝડપાયું દંપત્તિ


જામનગરના શેખપાટનાં મહિલા સરપંચનો પતિ અને ઉપસરપંચ લાંચ લેતાં પકડાયા હતા. જામનગર એસીબી ટીમ દ્વારા 'એન્ટી કરપ્શન ડે'ના દિવસે જ સફળ છટકું ગોઠવી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. માટીનાં કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી બંન્નેએ રૂા.30-30 હજારની લાંચ માંગી અને જામનગરમાં લાલ બંગલા પાસે લેવા આવતા રંગેહાથ ઝડપાયા હતા.


જામનગરની એન્ટી કરપ્શન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગોહેલ તેમજ એ.સી.બી. ની સમગ્ર ટીમ દ્વારા નવમી ડિસેમ્બરના દિવસે 'વર્લ્ડ એન્ટી કરપ્શન ડે' ની ઉજવણી કરવામાં આવી હતી, અને તે અંગેનો જામનગરની એક સ્કૂલમાં કાર્યક્રમ પણ યોજાયો હતો, અને વિદ્યાર્થીઓને લાંચ રૂશ્વત ધારા સંબંધી જરૂરી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી, અને તે અંગેના જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન એસીબીની ટીમ દ્વારા લાંચનું સફળ ઓપરેશન પણ પાર પાડવામાં આવ્યું હતું.