અમરેલી : બગસરા નગરપાલિકામાં પ્રમુખપદ માટે રાજકીય ખેલ શરૂ થયો છે. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતી નગરપાલિકામાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપના ૬ થી ૭ સભ્યો સંપર્ક વિહોણા થતા જીલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપના ૨૦ અને કોંગ્રેસના ૮ સભ્યો છે. ભાજપના ૬/૭ સભ્યો ગુમ થઈ જતા ભાજપના નેતાઓમાં દોડાદોડી થઈ હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.


બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે પાર્ટી તરફથી આપવામાં આવેલા નામથી નારાજગી  ઉભી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને ખેલ પાડી દે તેવી સંભાવના સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં હાલ તમામ પાંચ ધારાસભ્યો ભાજપના છે. અમરેલી જીલ્લામા ભાજપનો રાજકીય દબદબો છે. આવતીકાલે ખરાખરીનો જંગ જોવા મળશે.


કલોલમાં પોલીસની દમનગીરી સામે કોંગ્રેસનું પ્રદર્શન


ધીનગરના કલોલના મુદ્દાને લઇને આજે રાજનીતિ ગરમાઇ છે. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. અત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના સભ્યોને પોલીસ પરેશના કરી રહી છે. આ ઘટના મુદ્દે હવે કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ બળજબરીથી કૉંગ્રેસના સભ્યોને બસમાં બેસાડી રહી હતી. સાથે જ કલોલ તાલુકા પંચાયત તોડવા ભાજપે પોલીસને આદેશ આપ્યા હોવાનો પણ આરોપ છે. પોલીસે સત્તાનો દૂરૂપયોગ કરી અમાનવીય વર્તન કર્યુ હતુ. હાલમાં તાલુકા પંચાયતમાં કુલ 26 સભ્યો છે. જેમાંથી 15 સભ્યો કોગ્રેસના અને 11 સભ્યો ભાજપના છે. કોંગ્રેસ પક્ષના નીતાબેન રાજુજી ઠાકોરને પ્રમુખ તરીકે ઉમેદવારી  નોંધાવી છે, જ્યારે ઉપપ્રમુખ માટે કોંગ્રેસના શંભુજી ગલાબજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસની બહુમતી હોવા છતાં કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપે પણ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલ અને ભાજપમાં જોડાયેલ બબીતાબેન શકરાજી ઠાકોરને ભાજપ પક્ષે પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપના અર્પિતભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. 




હવે આ કલોલ તાલુકા પંચાયતનો મુદ્દો ઉગ્ર બન્યો છે, જેના પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા લડી લેવાની વાત કરવામાં આવી છે, વાયરલ થયેલા વીડિયોમાં પોલીસની દમનગીરી સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે ગોહિલે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પણ વાત કરી છે. કલોલ તાલુકા પંચાયત મુદ્દે કોંગ્રેસે વિધાનસભા પરિસર બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કૉંગ્રેસના સભ્યો સાથે કલોલ પોલીસની જબરદસ્તીને લઈ વિરોધ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. તેમનો આરોપ છે કે, કૉંગ્રેસના સભ્યોની બસ જબરદસ્તીથી પોલીસે રોકી હતી, આ બધુ જ કામ ભાજપના ઈશારે પોલીસ કરી રહી છે. 




કલોલ તાલુકા પંચાયતની ઘટના મુદ્દાએ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે, કલોલમાં અમારી બહુમતી છે, કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીનું ખુન છે. મારી પાસે વીડિયો હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ, જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજવુ પડે, અમે રાષ્ટ્રપતિની ગરિમા જાળવીએ છીએ, પણ જરૂર પડશે તો એમને બતાવીશું કે જુઓ ગુજરાતમાં શું ચાલે છે.