ગાંધીનગર: જુન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે કરોડોનું રુપિયાનું નુકશાન થયું હતું. કોઈ માનવ ખુવારી તો નહોતી થઈ પરંતુ કેટલાય પશુઓના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અનેક વિજ પોલ અને કેટલાક મકાનો ધરાશાયી થયા હતા. જો કે, નવાઈની વાત એ છે કે, આટલી બધી ખુવારી થઈ હોવા છતા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કોઈ આર્થિક મદદ કરી નથી.
બિપરજોય વાવાઝોડા અંગે કેન્દ્ર સરકારે કોઈ સહાય ગુજરાત સરકારને આપી ન હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે આ અંગે લેખિત જવાબ આપ્યો છે. ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડા અંગે કેન્દ્ર પાસેથી રૂ. 700. 42 કરોડની માગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો. 18મી જુલાઈ 2023ના રોજ ગુજરાત સરકારે મેમોરેન્ડમથી કેન્દ્ર પાસે સહાય માગી હતી. આજ દિવસ સુધી કેન્દ્ર સરકાર તરફથી કઈ મળ્યું ન હોવાનો સરકારે ખુલાસો કર્યો છે.
કેટલું થયું હતું નુકશાન?
બિપરજોય વાવાઝોડાથી સૌથી મોટું નુકશાન વીજ કંપનીઓને અને ખેડૂતોને થયું હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું હતું. વૃક્ષો ધરાશાયી થતાં પર્યાવરણ અને વન વિભાગને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. અસરગ્રસ્ત નાગરિકોને કેશડોલ્સ ચૂકવવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં મીનીમમ લોસ થાય તે માટે રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે આગોતરું આયોજન કર્યું હતું.વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 6486 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
પ્રભાવિત જિલ્લાઓમાં 400 કેવી, 220 કેવી અને 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો.આ ઉપરાંત 66 કેવીના 243 સબસ્ટેશનનો વીજ પુરવઠો પણ આ વાવાઝોડા દરમિયાન બંધ થયો હતો.વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન થયું છે. પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. વાવાઝોડાની વિપરીત અસરોથી સંભવિત જિલ્લાઓમાં પશુ મૃત્યાંકને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બાકી રહેતા પશુઓને બાંધી ન રાખવા અને છુટ્ટા મૂકવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. છતાં પણ વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, વધારે સમય પાણીમાં ફસાયેલા રહેવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1320 પશુઓ અને 1907 મરઘાના મૃત્યું થયા હતા. પાત્રતા મુજબ કુલ મરણ પૈકી 1129 પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ રૂ. 1.62 કરોડ છે.
બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી હતી. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય, આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાયની જાહારાત કરવામાં આવી હતી. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી હતી. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.