અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ રાજ્યભરમાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે.  બજારોમાં માસ્ક વગર અને  સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો ખરીદી કરતા નજરે પડે છે. હાલ કોરોનાના કેસ ઓછા આવતા હોવાથી નિશ્ચિત થઈ બજારમાં ખરીદી કરી રહ્યા છે. અમદાવાદના લાલદરવાજામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આ બજારમાં  તમામ વસ્તુઓ સરળતાથી અને સસ્તી મળે છે.  લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવા મળ્યા હતા.


દિવાળી પહેલા વિકેન્ડ હોવાને કારણે ઓક્ટોબરના અંતિમ બે દિવસોએ બજારમાં ભારે ભીડ રહી છે. દિવાળીની ખરીદી સૌથી વધુ ધનતેરસમાં થશે. એવું માનવામાં આવે છે કે ધનતેરસથી દિવાળી સુધી સૌથી વધુ ખરીદી થતી હોય છે. એવામાં બજારોમાં કોરોના પ્રોટોકોલ પર વધુ સખ્તાઈ જરૂરી છે. લોકો માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ હવે ઓછો કરી રહ્યા છે જે ખતરાની ઘંટડી સમાન છે. 


દિવાળીના તહેવાર પહેલા અમરેલી જિલ્લામાં થઇ રહી છે ધૂમ ખરીદી. વિવિધ બજારોમાં તહેવારોને લગતી ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં સહપરિવાર નીકળ્યા છે. અમરેલી અને સાવરકુંડલા સહિતના શહેરોમાં મોટા અને પ્રખ્યાત બજારો ઉપરાંત દરેક વિસ્તારમાં આવેલી નાના-મોટી દુકાનો, રોડ પર લાગેલા સ્ટોલોમાં પણ ખુબ જ ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં 100 ટકા વરસાદ પડ્યો હતો. કપાસ અને મગફળીના ગત વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા છે.  મજૂરોને પણ સારી મજૂરી મળી રહી છે. જેના કારણે ગત વર્ષે અટકી ગયેલા લગ્ન પ્રસંગોની ખરીદી ચાલુ વર્ષે ખૂબ જ સારી રીતે લોકો કરી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા હોવાથી આ વર્ષે બજારોમાં સારી એવી ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે લગ્નગાળાની ખરીદી પણ લોકોએ શરૂ કરી છે અને સોની બજાર ધમધમતી થઇ છે. હીરા ઉદ્યોગમાં વેકેશન પડતાં રત્ન કલાકરો ખરીદી કરી રહ્યા છે.



વડોદરા શહેરમાં લોકો દિવાળીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.  મોટી સંખ્યામાં ગ્રાહકો પરીવાર સાથે ખરીદી કરી રહ્યા છે.  લહેરીપૂરા વિસ્તાર, ન્યાય મંદિર વિસ્તાર, મંગલ બજાર ખાતે ગ્રાહકોની ભીડ છે.    લહેરીપૂરા પોલીસ દ્વારા માઇક પર સતત જાહેરાત કરવામાં આવી રહી છે કે  લોકો પાકિટ માર અને ડુપ્લીકેટ પોલીસથી સાવધાન રહે. કોવિડના નિયમોનું પાલન કરવા જાહેરાત કરાઈ રહી છે.  માસ્ક વગરના લોકોને 1000 રૂપિયાના દંડની પણ જાહેરાત કરવામાં આવી હતી.