Diwali 2022: સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર દર વર્ષે આસો વદ અમાસના  દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબર 2022, સોમવારના રોજ છે. સુખ અને સમૃદ્ધિના પ્રતિક એવા દિવાળીના આ તહેવાર પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.


આ જિલ્લામાં બે કલાક જ ફોડી શકાશે ફટાકડા


દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ફટાકડાં મુદ્દે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર જી.ટી.પંડ્યાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8 થી 10 કલાક એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. નુતન વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી ૦૦.30 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં.


દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઇ શકે છે


દિલ્હીમાં વાયુ પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલની સરકાર સતર્ક છે. હવે દિલ્હી સરકારે રાજધાનીમાં ફટાકડા ફોડવા અને ખરીદવા અંગે નવા નિયમની જાણકારી આપી હતી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું  હતું કે કે દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે રાજધાનીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે કહ્યું હતું કે દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે કુલ 408 પાર્ટીઓની રચના કરવામાં આવી હતી.


તહેવાર અને શિયાળાની મોસમમાં હવાની ગુણવત્તા ખરાબ ન થાય તે માટે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે દિલ્હી સરકારે કુલ 408 ટીમોની રચના કરી છે. આ સાથે દિલ્હી પોલીસે સહાયક પોલીસ કમિશનર હેઠળ 210 ટીમો બનાવી છે. મહેસૂલ વિભાગે 165 ટીમો બનાવી છે અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 33 ટીમોની રચના કરી છે. દિલ્હી સરકારે 1 જાન્યુઆરી સુધી દિવાળી સહિત તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો, જે છેલ્લા બે વર્ષથી જોવા મળી રહ્યો છે.