Diwali 2025 Gujarat rules: વાયુ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી, ગુજરાત સરકારે દિવાળીના તહેવાર માટે ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે નવી અને કડક સૂચનાઓ બહાર પાડી છે. આ નિયમો અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાત્રે 8:00 થી 10:00) દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં, સરકારે ચાઇનીઝ અને વિદેશી ફટાકડાની આયાત તેમજ વેચાણ પર સખત પ્રતિબંધ મૂક્યો છે. માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન અને ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરતા ફટાકડાનું જ ઉત્પાદન અને વેચાણ લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરી શકાશે.
દિવાળી પર સમય મર્યાદા: પ્રદૂષણ નિયંત્રણ માટે મોટો નિર્ણય
દિવાળી એ પ્રકાશ અને આનંદનો તહેવાર છે, પરંતુ ફટાકડાના અતિશય ઉપયોગથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું સ્તર જોખમી હદે વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે નાગરિકોના જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે: રાત્રે 8:00 થી 10:00 કલાક સુધી.
આ ઉપરાંત, ક્રિસમસ અને નૂતન વર્ષ જેવા અન્ય તહેવારો માટે પણ ચોક્કસ સમયગાળો નક્કી કરાયો છે: આ તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે 23:55 (11:55 PM) થી 00:30 (12:30 AM) કલાક સુધી જ ફોડી શકાશે.
પ્રતિબંધિત ફટાકડા અને વેચાણના નિયમો
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ ફેલાવતા અને અવાજ પ્રદૂષણ વધારતા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન કરાવવા માટે નીચે મુજબના નિયમો જાહેર કરાયા છે:
- ગ્રીન ક્રેકર્સ ફરજિયાત: માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન અને ઓછું એમિશન ઉત્પન્ન કરતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે.
- હાનિકારક ફટાકડા પર પ્રતિબંધ: ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Lari) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- ચાઇનીઝ ફટાકડા પર મનાઈ: રાજ્ય સરકારે વિદેશી કે ચાઇનીઝ ફટાકડાની આયાત અને વેચાણ પર સખત પ્રતિબંધ મૂક્યો છે.
- બેરીયમ પર પ્રતિબંધ: ફટાકડા બનાવવા માટે બેરીયમ ના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.
- ઓનલાઈન વેચાણ પ્રતિબંધિત: તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સ ને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- વેચાણ નિયમો: ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનરોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડીને આ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.