Diwali tragedy 2025: દિવાળીના પ્રકાશ પર્વની રાત્રિએ સમગ્ર ગુજરાતમાં ફટાકડાની ભારે આતશબાજીને કારણે આગ, દાઝી જવા અને શ્વસન સંબંધી કટોકટીના અનેક બનાવો સામે આવ્યા હતા. રાજ્યભરમાં દાઝી જવાના કુલ 56 બનાવો નોંધાયા, જેમાં સૌથી વધુ 17 કેસ અમદાવાદના હતા. 108 એમ્બ્યુલન્સ ને સામાન્ય દિવસો કરતાં 565 વધુ, એટલે કે કુલ 5,389 ઇમર્જન્સી કોલ મળ્યા. રોડ અકસ્માતના કોલ્સની સંખ્યા સામાન્ય 529 થી વધીને 916 પર પહોંચી ગઈ, જ્યારે હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ નોંધાયા હતા. એકલા અમદાવાદમાં જ સાંજે 5 થી સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના 80 બનાવો નોંધાયા હતા, જેમાં પીરાણા-પીપળજ રોડ પરની ફેક્ટરીની આગમાં ફાયરબ્રિગેડે એક વ્યક્તિને બેભાન હાલતમાં બચાવી લીધી હતી.
આકસ્મિક ઘટનાઓનો ધસારો: 108 અને ફાયરબ્રિગેડની સતત દોડધામ
દિવાળીની રાત્રિએ ફટાકડાની જબરદસ્ત આતશબાજીએ વાતાવરણને ઉત્સવમય તો બનાવ્યું, પરંતુ સાથે જ રાજ્યભરમાં આકસ્મિક ઘટનાઓનો મોટો ધસારો સર્જ્યો હતો. આને કારણે 108 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ની ટીમો સતત દોડતી રહી હતી. 108 એમ્બ્યુલન્સ ને આખા દિવસ દરમિયાન કુલ 5,389 જેટલા ઇમર્જન્સી કોલ મળ્યા હતા, જે સામાન્ય દિવસોમાં મળતા કોલ (અંદાજે 5,199) કરતાં 565 જેટલા વધુ હતા.
સૌથી મોટી ચિંતાનો વિષય રોડ અકસ્માત ના બનાવો હતા. સામાન્ય દિવસોમાં અંદાજે 529 અકસ્માત કોલ મળતા હોય છે, તેની સામે દિવાળીના દિવસે આ સંખ્યામાં મોટો વધારો થયો અને 916 જેટલા કોલ નોંધાયા હતા. સૌથી વધુ અકસ્માતો ટૂ-વ્હીલર સંબંધિત હતા અને તે અમદાવાદ, રાજકોટ, દાહોદ, કચ્છ, ભાવનગર જેવા મોટા અને નાના શહેરોમાં નોંધાયા હતા.
દાઝી જવાની અને શ્વાસની કટોકટીના કેસ
ફટાકડાને કારણે દાઝી જવાના બનાવોમાં પણ ઉછાળો આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં દાઝી જવાના કુલ 56 કેસ સામે આવ્યા હતા, જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાંથી 17 નોંધાયા હતા. સુરતમાંથી 8, જામનગરમાંથી 5 અને નવસારીમાંથી 4 કોલ 108 ને મળ્યા હતા. બાકીના શહેરોમાંથી 1 થી 2 કોલ નોંધાયા હતા.
બીજી તરફ, ફટાકડાના ધુમાડાને કારણે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ હતી, જેના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાની ઘટનાઓ પણ વધી હતી. રાજ્યભરમાંથી શ્વાસની તકલીફ ના કુલ 380 જેટલા કોલ 108 ને મળ્યા હતા, જે પ્રદૂષણની ગંભીર અસર દર્શાવે છે. આ ઉપરાંત, અમદાવાદ, રાજકોટ, સુરત, દાહોદ, કચ્છ જેવા શહેરોમાં મારામારીના બનાવો માં પણ વધારો થયો હતો.
અમદાવાદમાં આગની 80 ઘટનાઓ અને બચાવ કામગીરી
એકલા અમદાવાદ શહેરમાં જ દિવાળીની સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં ફાયરબ્રિગેડ ને આગ લાગવાના 80 જેટલા કોલ મળ્યા હતા. મળેલા કોલમાં સૌથી વધુ 38 કોલ કચરામાં આગ લાગવાના અને 22 કોલ મકાનમાં આગ લાગવાના હતા. આ ઉપરાંત, 4 ફેક્ટરીમાં અને 3 દુકાનમાં આગ લાગવાના કોલ પણ સામેલ હતા.
સૌથી ગંભીર ઘટનાઓમાંની એક પીરાણા-પીપળજ રોડ પર ભરવાડવાસ પાસે આવેલી મહાલક્ષ્મી ટેક્સટાઇલ નામની દોરા બનાવતી ફેક્ટરીમાં બની હતી. અહીં આગ લાગ્યાની જાણ થતાં 5 થી 6 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના ભારે ધુમાડા વચ્ચે ફાયરબ્રિગેડની ટીમે બાજુની દીવાલમાં બાકોરું પાડીને ફેક્ટરીમાં ફસાયેલા એક વ્યક્તિને બેભાન હાલતમાં સફળતાપૂર્વક બચાવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઝુંડાલ વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં પણ ફટાકડાને કારણે આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે અમદાવાદ અને ગાંધીનગર ફાયરબ્રિગેડની કુલ 6 ગાડીઓ કામે લાગી હતી.