જૂનાગઢ: રાજ્યમાં રખડતા ઢોર અને કૂતરાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા છે. તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. હવે જૂનાગઢ જિલ્લામાં સામે આવેલા કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે


આ અંગે વિગતે વાત કરીએ તો માણાવદર પંથકમાં બાળકને ત્રણ કૂતરાઓએ ફાડી ખાતા અરેરાટી મચી ગઈ છે. માણાવદર તાલુકાના ગણા ગામે બે વર્ષના બાળકને ત્રણ કૂતરાઓએ ફાડી ખાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જો કે ડોક્ટરો લાખ પ્રયત્ન છતા બાળકનો જીવ બચી શક્યો નહોત. મૃતક બાળકનું નામ રવિન્દ્ર રાઠવા છે અને તેમનો પરિવાર છોટાઉદેપુર જિલ્લાના નાના વાટા ગામનો રહેવાસી છે. તેઓ ખેત મજૂરી કરવા માણાવદર આવ્યા હતા. બે વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


ભાવનગરમાં પણ શ્વાનનો આતંક
ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સાથે શેરી વિસ્તાર અને રોડ પર પણ શ્વાનનો આંતક જોવા મળી રહ્યો છે. શહેર વિસ્તારમાં 10,000 થી વધુ શ્વાન  ફરી રહ્યા છે જેનો દરરોજ કોઈને કોઈ ભોગ બની રહ્યા છે. ભાવનગર શહેરમાં રખડતા શ્વાને  ચાર માસની માસૂમ બાળકીને ફાડી ખાતા ચકચાર મચી ગઇ છે.


શ્રમિક પરિવારની ચાર માસની બાળકીનું મોત 
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના મહાલક્ષ્મી સોસાયટીમાં રહતા હિંમતભાઈ ભાલિયાની ચાર માસની દીકરી કાવ્યાને શ્વાને  માથાના ભાગે બચકા ભરી લેતા ગંભીર ઈજા થઈ હતી. જેને ટુ-વ્હીલર બાઈક પર ભાવનગર સર્ટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં આ  ચાર માસની બાળકીનું મોત નીપજ્યું હતું બનાવને લઈ સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયું છે પરિવાર મજુરીકામ કરીને ગુજરાન  ચલાવી રહ્યું છે. શ્વાનના કરડવાથી માસુમનું મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું છે. 


શ્વાન કરડવાના દરરોજ 100થી વધુ કેસ 
એક તરફ મનપા રખડતા શ્વાનના ખસીકરણ માટે દર વર્ષે પોણા કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં શહેરમાં શ્વાનનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે, દરરોજ શહેરમાં 100થી વધુ લોકોને શ્વાન કરડી જવાનાં કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ચિત્રા વિસ્તારમાં રહેતી ચાર માસની માસૂમ કાવ્યા ફળિયામાં સુઈ રહી હતી એ દરમિયાન સ્વાન ના આંતકથી માસુમનો ભોગ લેવાયો.