કચ્છના ગાંધીધામમાંથીલાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. આ કોકેઈનની અંદાજે કિંમત 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. 1 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું.
DRI દ્વારા દરોડા પાડીને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. DRIને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે.
મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું
આ કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું.
લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા
ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ.વી.જોશી CSFમાં વધુ એકવાર ડ્રગ્સની તપાસની ધમધમાટ શરૂ થઈ છે. અહીં વિદેશથી કન્ટેનરો આવ્યાં હતાં. આ કન્ટેનરોમાં વિદેશથી આવેલા લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા, બાતમીના આધારે DRIએ આ કન્ટેનરો રોકાવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. DRIની તપાસ દરમિયાન કન્ટેનરમાં એક પેકેટ ચૂસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી નમૂનો લેવામાં આવ્યો હતો અને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમિયાન કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાય છે
ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાનું નાપાક ષડયંત્ર ચાલી રહ્યુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કરોડો રુપિયાનું ડ્રગ્સ અવાર-નવાર ઝડપાય છે. રાજ્યમાં અનેકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. યુવક-યુવતીઓ પણ ડ્રગ્સના નશાના રવાડે ચડી રહ્યા છે. ત્યારે પોલીસ ડ્રગ્સ કેસમાં કડક કાર્યવાહી કરે નબીરાઓને પાઠ ભણાવે તેમ લોકો આશા રાખી રહ્યા છે.
https://t.me/abpasmitaofficial