વલસાડ: વલસાડમાં નેઈલપોલિશની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વલસાડ જિલ્લાના પિઠા ગામ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડા પાડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. ચેકિંગ દરમિયાન લગભગ 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ ડ્રગ્સ મળી કુલ 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયાથી વધુ છે.
વલસાડ જિલ્લામાં આવેલા ગુજરાત સ્ટેટ હાઇવે-701 નજીકના વિસ્તારમાં ધમધમતી એક ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં નાર્કોટિક ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ, 1985 હેઠળ પ્રતિબંધિત દવા “અલ્પ્રાઝોલમ”નું ઉત્પાદન થતું હતું.
ચાર લોકોની ધરપકડ કરવામાં આવી
DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ) દ્વારા ‘ઓપરેશન વ્હાઇટ કૉલ્ડ્રોન’ નામના ગુપ્ત મિશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ રૂ. 22 કરોડનું અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે મુખ્ય સૂત્રધાર, નાણાં પુરવઠાકર્તા, ઉત્પાદક અને એક સહયોગી એમ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા બે વર્ષથી દુકાનો ભાડે રાખી આ ફેક્ટરીમાં ગેરકાયદે ડ્રગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. કોઈપણ પ્રકારનું લાયસન્સ વગર આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. DRIએ આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીના બે માલિક ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા તેમજ બે વર્કરો મળી કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી.
કોર્ટમાંથી તેમને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. આરોપીઓ ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ ક્યાંથી લાવતા હતા, તૈયાર માલ કોને સપ્લાય કરતા હતા અને ટ્રાન્ઝેક્શન ક્યાં થયું હતું તેની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નેટવર્ક અન્ય રાજ્યોમાં ફેલાયેલું હતું. ગુજરાતથી લઈને તેલંગાણા સુધી સપ્લાય ચેઇન કાર્યરત હતી. DRIને પ્રાપ્ત થયેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કારખાનાની ઘણા દિવસોથી દેખરેખ રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ 4 નવેમ્બરના રોજ અધિકારીઓએ અચાનક દરોડો પાડ્યો હતો.
DRIના દરોડા દરમિયાન ફેક્ટરીની અંદર ચાલી રહેલી ગેરકાયદેસર ઉત્પાદન પ્રક્રિયા સામે આવી ગઈ. અધિકારીઓને સ્થળ પરથી મોટી માત્રામાં તૈયાર તેમજ અડધી બનેલી દવાઓ અને રાસાયણિક પદાર્થો મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાચા માલમાં મુખ્ય નશીલા રસાયણોનો સમાવેશ થાય છે, જે બાદમાં અલ્પ્રાઝોલમ તરીકે તૈયાર કરવામાં આવતાં હતાં.