Drugs: રાજ્યમાં ડ્રગ્સના વેચાણનો સિલસિલો યથાવત છે, હવે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOG પોલીસની કાર્યવાહીમાં 2.7 ગ્રામ જેટલા મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, જુનાગઢના માંગરોળમાથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓ સાથે 2. 7 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ કારમાં મેફેડ્રૉન ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જ્યારે SOGએ દરોડા પાડ્યા તો કારમાંથી બે આરોપીઓને મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઇલ, રોકડ તેમજ કાર સાથે 5.52.990નો મુદ્દામાલ કબજો કર્યો હતો. પોલીસે સોહિલ કાલાવત અને હનીફ ધામેરીયાની આ મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આરોપીઓને હાલમાં માંગરોળ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યામાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરનારા પેડલરો ઝડપાઇ ચૂક્યા છે. 


 


જૂનાગઢમાં ઉપરકોટ વિસ્તારમાં દબાણો કરાયા દૂર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયુ ડિમોલિશન


જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટમાં દબાણો પર દૂર કરાયા હતા.  ગઈકાલે મોડી રાતે શરૂ થયેલી દબાણ દૂર કરવાની કામગીરી આજે વહેલી સવાર સુધી ચાલી હતી.  જિલ્લા કલેક્ટર, આઈ.જી. સહિતના અધિકારીઓ આખી રાત હાજર રહ્યા હતા. ખૂબ જ ગુપ્ત રીતે દબાણ તોડવાની સમગ્ર પક્રિયા હાથ ધરાઈ હતી. આઠથી વધુ બુલડોઝર સહિત મશીનરીની મદદથી ડિમોલિશન હાથ ધરાયું હતું. ઉપરકોટમાં દબાણ કરીને બનાવાયેલી મજાર અને મંદિર દૂર કરાયા હતા.  સૂત્રોના મતે નાના-મોટા 18 દબાણ દૂર કરાયા હતા. અહીં છેલ્લા 40 વર્ષથી દબાણ હતું. આઠથી વધુ બુલડોઝર અને હેવી મશીનરીની મદદથી દબાણ તોડી પડાયા હતા.  આ મામલે હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ હતી. મહત્વનું છે કે, ઉપરકોટનું 60 કરોડના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે. થોડા જ સમયમાં ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મૂકાશે. તે સિવાય કચ્છના યાત્રાધામ કોટેશ્વરમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા. લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર ખાતે આજે શનિવાર સવારથી બિનઅધિકૃત દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  ગામના મુખ્ય માર્ગેમાં આવેલી 36 જેટલી કાચી પાકી દુકાનોને નોટિસ પાઠવ્યા બાદ હટાવવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.