અંબાજી: અંબાજીમાં દારુના નશામાં પોલીસ જવાનોએ અકસ્માત સર્જોયો હતો. બેફામ કાર હંકારી પોલીસ જવાનોએ બાઈકચાલકને જોરદાર ટક્કર મારી હતી. પોલીસજવાનોની કારમાંથી દારુની ત્રણ બોટલો પણ મળી આવી છે.  અંબાજીમાં પોલીસકર્મી જ દારૂના નશામાં વાહન હંકારી અકસ્માત સર્જી રહ્યા છે. સ્થાનિક લોકોએ  પોલીસકર્મીઓને પકડીને પોલીસ સમક્ષ હાજર કર્યા હતા. 


અંબાજીમાં નશાની હાલતમાં પોલીસ જવાનોએ કાર હંકારીને અકસ્માત કર્યો હતો.બાઈક સવાર યુવક અને બહેનને ઈજા પહોંચતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઈક સવારને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.


અકસ્માત કરનાર કારચાલક પોલીસ કર્મી હોવાનું અને પાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર દલાભાઈ કેસરભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું હતું.  પોતે નશાની હાલતમાં હતો. પોલીસકર્મીની કારમાંથી અંગ્રેજી દારૂની 3  બોટલો અને 1 અડધી બોટલ પણ મળી આવી હતી. સ્થાનિક લોકોએ વાહન ચાલક પોલીસકર્મી સહિત તેના સાથીદારને પકડીને પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યા હતા. અંબાજી પોલીસે સમગ્ર મામલે કારને કબજે કરી લીધી છે અને પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 


કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળી ઝડપાયો, પોલીસ ડાયરીમાં થયા હતા અનેક ઘટસ્ફોટ


રાજકોટમાંથી કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળી ઝડપાયો હતો. ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત સંખ્યાબંધ ગુન્હાઓ અલ્તાફ સામે પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. મર્સિડીઝ કારમાંથી પસાર થયો ત્યારે તાલુકા પોલીસે અલ્તાફને ઝડપી લીધો હતો. ઝડપાયેલો અલ્તાફ આજી ડેમ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. એકાદ વર્ષ પહેલાં અલ્તાફ પાસે થી મળેલી ડાયરીમાં પોલીસ કર્મીઓને તે નિયમિત હપ્તાઓ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે જે તે વખતે 11 પોલીસમેનની શહેર બહાર બદલી કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, અલ્તાફે 20 દિવસ પહેલા આજીડેમ ચોક નજીક એક યુવાન ઉપર બંદૂક ટાંકી ટ્રીગર દબાવી ફાયરિંગ કર્યું હતું. સદનસીબે બંદૂકમાંથી ગોળી ફાયર ન થતા યુવકનો જીવ બચી ગયો હતો. આરોપી અલ્તાફ ઉર્ફે 6 આંગળી વિરુદ્ધ 2019ની સાલમાં થોરાળા વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધાયો હતો.જેમાં તે બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો.આ સમય દરમિયાન અંગ્રેજી દારૂનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું.અગાઉ 33 જેટલા ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ છ વખત પોતે પાસામાં પણ જઇ આવ્યો છે.


મીડિયા રિપોર્ટ અનુસાર બુટલેગર અલ્તાફ મર્ડર કેસમાં અંદાજે બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો. પકડાયો ત્યારે તેની પાસેથી ડાયરી મળી હતી, જેમાં તેના દારૂનો હિસાબ ઉપરાંત રાજકોટ ક્યા પોલીસકર્મીને કેટલો હપ્તો આપતો તેની સ્ફોટક માહિતી હતી, જેના આધારે જે-તે વખતે ક્રાઈમ બ્રાન્ચના 8 સહિત કુલ 11 પોલીસમેનની જિલ્લા બહાર બદલીનો આદેશ કરાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર બુટલેગર અલ્તાફ બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો. તેમ છતાં રાજકોટ પોલીસની સાંઠગાંઠથી તેનો દારૂનો ધંધો કર્યો અને બે વર્ષમાં 9 કરોડનો દારૂ વેચી નાખ્યો હતો. ડાયરીમાંથી જાણવા મળ્યું હતું કે બુટલેગર અલ્તાફના પેરોલ ઉપર રાજકોટના અધધ કહી શકાય તેટલા 64 પોલીસકર્મી છે. આ પોલીસકર્મી હપ્તા લઈ અલ્તાફને દારૂનો ધંધો કરવા માટેની તમામ સગવડો પુરી પાડતા હતા. આ તમામ પોલીસકર્મીના નામ ડાયરીમાં મળી આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.