Gujarat Rain Forecast: થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાબરકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તો હિંમતનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદ પડશે.


દેશભરમાં કમોસમી વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા તો કેટલીક જગ્યાએ લોકોને મુશ્કેલી ઉભી થઈ છે. હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 16 ઓગસ્ટ, બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. વધુમાં, મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આગાહી અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વરસાદ નહીં પડે અને વાતાવરણ ખુશનુમા રહેશે.


ઉત્તર પ્રદેશમાં હજુ ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 થી 3 દિવસ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુરુવાર, 17 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.


રેડ એલર્ટ જારી


હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં કુદરતનો વિનાશ ચાલુ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે બંને રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં દેશમાં સૌથી વધુ વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી મંદિરો તરફ જતા રસ્તાઓને નુકસાન થયું છે.


હળવા વરસાદની શક્યતા


16 અને 17 ઓગસ્ટે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સૂકું રહેશે. આ સિવાય બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.