Kheda News: ખેડામાં વધુ એક યુવકની સિરપના કારણે તબિયત લથડી છે. મરીડાના કર્મવીર સોસાયટીમાં રહેતા હેમંત ચૌહાણ નામના યુવકને ગુસ્સામાં આવી નદીમાં પડેલી સિરપ પીધી હતી જે બાદ યુવકની તબિયત લથડતા 108ની મદદથી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તબીબે પોલીસને જાણ કરતા આ સિરપ ક્યાથી લાવ્યા તેવુ પુછતા હેમંતે કહ્યું કે હરિઓમ આશ્રમ શેઢી નદીમાંથી મળી હતી તે મે પીધી હતી. આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસ કાફલો શેઢી નદીએ પહોંચ્યો હતો અને નદી સહિત ચારે બાજુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન તરતી સિરપની બોટલો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જો કે વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમા હજુ વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ કરશે.


ખેડા સિરપકાંડ કેસના મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.  ગઈકાલે હાથ ધરાયેલી તપાસમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં ખાલી સેનિટાઈઝરની બોટલો મળી છે.  આમળા અને એલોવેરા જ્યૂસનો જથ્થો મળી આવ્યો છે.  જેના સેમ્પલ તપાસ માટે મોકલી યોગી ફાર્માનો પ્લાન્ટ  સીલ કરવામાં આવ્યો છે.


2021થી ચાલતી હતી ફેકટરી


યોગેશ સિંધી ઉર્ફે યોગી ઉપર પ્રશાસનના અધિકારીઓની રહેમનજર ભારે  પડી છે.  2021થી ચાલતી ફેકટરીમાંથી અત્યાર સુધી નહોતું લેવાયું કોઈ સેમ્પલ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે યોગી ફાર્મા, યોગી ડેરી એન્ડ બેવરેજીસ સાથે યોગી ટ્રેડિંગના નામે કુલ ત્રણ લાયસન્સ આપ્યા હતા. યોગ્ય સમયે તપાસ થઈ હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.


યોગેશ સિંધી આ ફેક્ટરીમાં જ નશાકારક જીવલેણ સિરપ બનાવતો હોવાની આશંકા છે. ફેક્ટરી માલિક યોગેશ સિંધીને આલ્કોહોલના સ્ટોરેજ માટે મંજૂરી હતી કે નહીં તેની પણ  તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી.


શું છે સિરપકાંડ ?


ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી 6 લોકોના મોત થયા હતા.મોતની ઘટના બાદ તપાસ કરતા સામે આવ્યું કે મૃતકોમાંથી 3 લોકોએ આયુર્વેદિક સિરપ પીધુ હતુ. જેના લીધી તેઓના મોત નિપજ્યાં છે. મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આયુર્વેદિક કફ સિરપનું વેચાણ અને સપ્લાય કરનાર લોકોની અટકાયત કરી છે.