Makar Sankranti 2024:રાજ્યભરમાં આજે ઉતરાયણનો તહેવાર ધૂમધામથી મનાવાઇ રહ્યો છે પરંતુ મકરસંક્રાંતિના પર્વના રંગમાં ભંગ પાડતી પણ અનેક ઘટનાના અહેવાલ સામે આવ્યાં છે. ઉતરાયણ પર્વની સવારે 10 વાગ્યા સુધીમાં જ 108 સેવાને 1077 ઇમરજન્સી કોલ આવ્યા હતા. ગયા વર્ષે 10 વાગ્યા સુધીમાં  936 કોલ મળ્યા હતા.ચાલુ વર્ષે 10 વાગ્યા સુધીમાં 114 જેટલા ઈમરજન્સી કોલની સંખ્યા વધી છે.


મકરસંક્રાતિના પર્વમાં દુર્ઘટનાની હારમાળા


રાજકોટના જેતપુરમાં ચાયનીઝ દોરીના કારણે બાળકનો પગ ચિરાઇ જતાં  બાળક ને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી હતી. તો નવાગઢમાં પણ બાઇક પર જતાં રહીમ ઈબ્રાહીમને દોરી વાગી જાતં ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.


અમદાવાદમાં ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દોરીના કારણે ગળામાં ઇજા થતાં  ત્રણેયને  સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દોરીના કારણે એટલી ગંભીર ઇજા પહોંચી હતી કે,ટાંકા લેવાની ફરજ પડી હતી.


તો બીજી તરફ વલસાડમાં પતંગ ચગાવતા છ વર્ષના બાળકનું મોત થયું છે. ખાટકીવાડ વિસ્તારમાં ધાબા પરથી પટકાતા બાળકનું મોત થયું હતું. ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકનું મોત થયું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરવેઝ શેખ પતંગ ચગાવતા ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો.                                                  


સંક્રાંતિ પહેલા સુરતના વરાછામાં ચાઇનીઝ દોરીએ એક યુવતીનો જીવ લીઘો. એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને નીચે પટકાઈ હતી. યુવતીને ગંભીર ઈજા થતા આસપાસના સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે.  યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.