Demolition News: કચ્છ બાદ હવે દ્વારકા જિલ્લામાં પણ દાદાનું બૂલડૉઝર ચાલ્યુ છે, આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી તંત્રએ પુરજોશમાં શરૂ કરી છે. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર ત્રણ મદરેસાઓ પર પણ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી, અને આ તમામને તોડી પડાઇ હતી. 




રાજ્યમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી શરૂ કરાઇ છે, જે અંતર્ગત દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક લોકોને નૉટિસો અપાઇને તંત્રને સાથ સહકાર આપવા પણ ભલામણ કરાઇ છે. આજે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં દાદાનું બૂલડૉઝર ફરી વળ્યુ છે. આ વખતે સલાયા બંદર ખાતે તંત્ર દ્વારા દબાણો હટાવવા કામગીરી હાથ ધરાઈ છે. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ દૂર કરવા તંત્રએ પહેલાથી જ નૉટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે જે.સી.બી. અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા, આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવખરી હટાવી લીધી હતી. ખાસ વાત છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે. 


 


આ પહેલા કચ્છમાં ત્રણ મદરેસાઓ પર ફરી વળ્યુ હતુ બૂલડૉઝર - 


રાજ્યમાં ફરી એકવાર દાદાનું બૂલડૉઝર ચાલ્યુ છે, કચ્છના ખાવડામાં ગેરકાયદેસર બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે, આ ત્રણેય મદરેસાઓને તોડી પડાયા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડૉઝર ફેરવ્યુ છે. હજુ પણ ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી આગળ ચાલુ રહેશે. 




આજે વહેલી સવારે તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને કચ્છ જિલ્લામાં બૂલડૉઝર કાર્યવાહી શરૂ કરી છે. આ વખતે કચ્છમાં દાદાનું બૂલડૉઝર ચાલ્યુ છે. જિલ્લાના ખાવડામાં ગેરકાયદેસર ચાલતા મદરેસા પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, અને સરકારી જમીન પર બનેલા ત્રણ મદરેસાને જમીનદોસ્ત કરાયા છે. જામકુનરીયા, કુરન ગામમાં આ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે. કચ્છ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. દરિયાઈ પટ્ટીપર થયેલા દબાણો દુર કરવાની સરકારની નેમ છે. ખાસ વાત છે કે, જામનગરમાં ગઈકાલે અસામાજિક તત્વોના અડ્ડા બૂલડૉઝર ફરી વળ્યુ હતુ. સર્વે અને નક્શાઓનો અભ્યાસ બાદ આ તમામ ગેરકાયદે નિર્માણો પર કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત પોલીસની પણ આ સમયે ખુબ જ પ્રસંશા થઇ રહી છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓને નહીં છોડવાની સરકારની નીતિ છે.


આ પહેલા ભચાઉમાં દબાણ હટાવો કામગીરી થઇ હતી


કચ્છ જિલ્લામાં ફરી એકવાર તંત્ર દ્વારા મેગા ડિમૉલેશનની કામગીરી શરૂ કરાઇ છે. આજે વહેલી સવારથી જ ભચાઉના શિકારપુરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને તંત્રએ બૂલડૉઝર ઓપરેશન શરૂ કર્યુ છે. 




આજે કચ્છના ભચાઉના શિકારપુર ગામે તંત્ર દ્વારા આ મેગા ડિમૉલેશન શરૂ કરાયુ છે, છેલ્લા કેટલાય સમયથી ગામમાં માથાભારે તત્વો દ્વારા કેટલાક સરકારી એકમો અને જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, આવા માથાભારે તત્વો દ્વારા લોકોને ત્રાસ અપાતો હતો, અને આ લોકો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હતા. આજે તંત્રએ આવા લોકો સામે એક્શન લેવું શરૂ કર્યુ. આવા વિસ્તારોમાં સવારથી જ તંત્રની ટીમ બૂલડૉઝર લઇને પહોચી હતી, અને માથાભારે તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરાયા હતા. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તંત્રની સાથે સ્થાનિક પોલીસ, અને એલસીબી-એસઓજીની ટૂકડી પહોંચી હતી. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આખા ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.