દેવભૂમિ દ્વારકા જિલ્લો નશીલા સિરપનું હબ બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના ખંભાળિયામાં ફરી એકવાર શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો હતો. ખંભાળીયા બાદ ભાણવડીમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો હતો. ભાણવડી ગામના ગોડાઉનમાંથી શંકાસ્પદ સિરપની 15 હજાર 500 બોટલનો જથ્થો જપ્ત કરાયો હતો. આ મામલે ખંભાળીયાના શક્તિનગરના અકરમ બાનવા નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આ શંકાસ્પદ બોટલનો જથ્થાની કિંમત અંદાજીત 26 લાખ રૂપિયાનું હોવાનું કહેવાય છે.





જો કે આ પહેલી ઘટના નથી થોડા દિવસ પહેલા પણ ખંભાળિયામાંથી નશીલી સિરપ ઝડપાઈ હતી. જેમાં ગેરકાયદે સિરપ પ્રકરણમાં ચાંગોદરથી ફેકટરીનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસની તપાસમાં ચાંગોદર પાસે સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક દવાની આડમાં અનઅધિકૃત આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન અને વેચાણ કરતું હતું.




દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એકાદ સપ્તાહ અગાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ આયુર્વેદિક પીણાનો જથ્થો ભરેલા એક મીની ટ્રકને પકડી પાડી તપાસ હાથ ધરી હતી.જેમાં ખોટા જીએસટી નંબર અને પ્રમાણપત્ર અયોગ્ય હોવાનુ ખુલ્યુ હતુ. જેથી આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા ચાંગોદર પાસે સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક દવાની આડમાં અનઅધિકૃત આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન અને વેચાણ કરતી એક ફેકટરીનો પર્દાફાશ થયો હતો.

દેવભૂમિ દ્વારકા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચના પીઆઇ કે. કે. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમે 26મી જૂલાઇના રોજ એક આઇસર ટ્રકની તપાસ કરતા અંદરથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત "કાલ મેઘાસવ" નામની દવાનો આશરે 4000 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.જે વાહન ચાલકનુ બિલ તપાસતા અમુક બાબતો શંકાસ્પદ જણાઇ હતી.જેથી દવા અને ટ્રક વગેરે કબજે કરી તપાસ હાથ ધરાઇ હતી.

નશાબંધી અને આબકારી વિભાગ તરફથી નિયમાનુસાર રીતે મેળવવાનું થતું ચોક્કસ પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું ખુલ્યુ હતુ. જેના આધારે પોલીસે પૂર્વયોજિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કરવા મામલે ભરત ચના નકુમ, ચિરાગ લીલાધર થોભાણી તથા રમેશ ભોપા ખરગીયા સામે ગુનો નોંધ્યો હતો.

નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગત ત્રીજી જૂલાઈ 2023 ના રોજ રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક પાસે આવેલા પાર્કિંગમાંથી હુડકો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગ સહિતના વિસ્તારમાંથી પાંચ જેટલા ટ્રકમાં ભરેલી નશા યુક્ત શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.