Dwarka:  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક સિરપના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. છેલ્લા 4 દિવસમાં 5 હજારથી વધુ નશાકારક સિરપની બોટલ સાથે 10 શખ્સ ઝડપાયા હતા. ખંભાળિયા તથા ભાડથર વિસ્તારમાંથી આલ્કોહોલ વાળી કેફી સિરપ તેમજ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હતા. નારણ કેશવ જામના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ નશાકારક સિરપની બોટલોનો મોટો જથ્થો ઝડપાયો હતો. તો અન્ય એક દરોડામાં ભાળથર ગામે કાના પરબત કેશરીયાના રહેણાંક મકાનમાંથી પણ નશા કારક સિરપનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2 અલગ અલગ દરોડા પાડી અંદાજીત 5 લાખથી વધુની કિંમતની 3 હજાર 900 બોટલ નશાકારક સિરપનો જથ્થો કબજે કર્યો હતો.


તો આ પહેલા દ્વારકામાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજેશ ડાભી તેમજ ગોપાલ પરમાર નામના બે શખ્સોને નશાકારક સિરપની 1608 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ અન્ય અનિલ બાંભણિયા તેમજ રવિ કરમુર નામના બે શખ્સોને ઝડપી તેમની પાસેથી નશાકારક 1200 નંગ કેપ્સુલ જેની અંદાજિત કિંમત 8,850 થાય છે.


તો જિલ્લાની અન્ય એક રેડમાં સલાયા વિસ્તારમાંથી મહમદ મિયા કાદરી તેમજ તાલબ સંધિ નામના બે યુવકોને ઝડપી 14 સીરપ તેમજ સાથે રહેલ નશાકારક પ્રવાહી લીટર 1 ઝડપી પાડ્યું હતુ.  એટલું જ નહીં ખંભાળિયા વિસ્તારમાંથી ઈરફાન શેઠા અને વિજય ગોંદીયા નામના બે શખ્સો પાસેથી ટેબલેટ નંગ 1000 મળી 12 હજાર 400નો મુદામાલ જપ્ત કર્યો હતો. તો અન્ય એક રેડમાં સલાયા વિસ્તારમાંથી સાલુ ભટ્ટી નામના યુવક પાસેથી નશાકારક સિરપની 27 બોટલ મળી આવી હતી.  જેમાં 2 લીટર નશાકારક પ્રવાહી સામેલ હોય તે પણ ઝડપી પાડવામાં આવ્યું હતું.  દ્વારકા જિલ્લા પોલીસે અલગ અલગ પાંચ ગુનાઓમાં એકી સાથે આઠ જેટલા આરોપીઓને ઝડપી નશાકારક દવાઓ, સીરપ, કેપ્સુલ તેમજ મોટેપાયે જથ્થો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.


તો આ તરફ રાજકોટના ધોરાજીમાં રહેણાંક વિસ્તારમાંથી નશાકારક સિરપ ઝડપાઈ હતી. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જાણકારીના આધારે વોકળા કાંઠે રહેણાંક મકાનમાં તપાસ કરતા મકાનમાંથી નશાકારક સિરપની 38 બોટલ સાથે સફી સલીમભાઈ ઢીબ નામના શખ્સને પકડ્યો હતો. સાથે જ એક મોબાઈલ મળી કુલ 11 હજાર 650નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. પૂછપરછ કરતા આરોપીએ જૂનાગઢથી સિરપની બોટલો મંગાવી હતી અને તેને નશો કરવાની ટેવ હોવાની કબૂલાત કરી હતી.