Election 2024 Live Update: રોહન ગુપ્તાના ગંભીર આરોપ-‘હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરાયો’
Election 2024 Live Update: વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે.
ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનારા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું. સીઆર પાટીલ સાથેની બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી આ અંગે જાણકારી આપી હતી. કેતન ઈનામદારે આ અંગે વાત કરતા કહ્યું કે, મેં મારી વેદના સીઆર પાટીલ સમક્ષ રજૂ કરી હતી. સીઆર પાટીલ સાથે અંતર આત્માની વાત કરી. પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીએ મારી વાતને ગંભીરતાથી લીધી છે.
કોગ્રેસ નેતા રોહન ગુપ્તાએ નામ લીધા સિવાય ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસના કેટલાક નેતા ગદ્દારીના સંદેશ મોકલે છે. પક્ષના જ કેટલાક નેતાઓ હેરાન કર્યા છતા પક્ષ સાથે છું. મને હેરાન કરવા શીખામણ આપવાની કોઈ જરૂર નથી. હિંમતસિંહ પટેલે મારા પર વિશ્વાસ મુક્યો છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરવામાં આવ્યો છે. મેં ચૂંટણી લડવાની ઈમાનદારીથી તૈયારી કરી હતી. મુશ્કેલ બેઠક પર ચૂંટણી લડવાની ટિકિટ સ્વીકારી હતી. મારા પિતા હું ચૂંટણી લડુ તેવું નહોતા ઈચ્છતા. મારા પિતાને કૉંગ્રેસના કેટલાક લોકો ઉશ્કેરતા હતા. ચૂંટણી લડવા મુદ્દે મેં મારા પિતાને સમજાવ્યા હતા. મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્વનું છે. પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથી. પિતાને સમજાવવામાં નિષ્ફળ રહ્યો, ચૂંટણી લડી રહ્યો નથી. મારી સાથે કઈ ખોટું થશે તેવો મારા પિતાને ડર હતો.
ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પાટીલે કહ્યું હતું કે પીએમ મોદીએ સર્વાંગી વિકાસની વ્યાખ્યા સાબિત કરી છે. વડાપ્રધાન મોદી દરરોજ ઇતિહાસ લખે છે. તેમણે રેલવેની કાયાપલટ કરી છે. રેલવેની ગતિમાં વધારો કર્યો. મહિલાઓનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ વધારવા પ્રયાસ છે. રામ મંદિર બનાવવાનો નિર્ધાર PM મોદીએ સાકાર કર્યો છે. દિશાહિન નેતૃત્વના કારણે કૉંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. સરકાર અને સંગઠન તમામના પડખે છે. 25 કરોડ નાગરિકોને PM મોદી ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા છે. પાકિસ્તાનના ઘરમાં ઘુસીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોદી સરકારની વિદેશ નીતિથી દુનિયામાં ભારતની શાખ વધી છે. રાજ્યની તમામ 26 બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતાડીશુ.
અમદાવાદ ભાજપ કાર્યાલય પર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકરની ઉપસ્થિતિ કોગ્રેસના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
સી.આર પાટીલે કેતન ઇનામદારના રાજીનામા પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. મનાવવાની પ્રક્રિયા મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં. કોને કઈ જવાબદારી સોંપશે તે પક્ષ નક્કી કરશે
કેતન ઈનામદાર ગાંધીનગર જવા રવાના થયા હતા. તેઓ ગાંધીનગરમાં પાટીલ સાથે બેઠક કરશે. કેતન ઇનામદારે કહ્યું હતું કે પાર્ટી સાથે જોડાયેલો રહીશ, રાજીનામું પાછું નહીં ખેંચુ. તેઓ સી.આર પાટીલ અને રત્નાકરજી સાથે બેઠક કરશે. ધર્મેન્દ્રસિંહની મધ્યસ્થતાથી ગાંધીનગરમાં બેઠક કરાશે. ઇનામદારે કહ્યું કે રંજનબેન માટે પ્રચાર કરતો રહીશઃ ઈનામદાર
કેતન ઈનામદારની નારાજગી પર શૈલેષ મહેતાએ કહ્યું હતું કે કેતન ઈનામદારનો સાવલીમાં દબદબો છે. તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરાશે. પાર્ટી અને પક્ષનો નિર્ણય શિરોમાન્ય છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને લીધા છે તેનો સ્વીકાર કરવો જરુરી છે.
આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ઓબીસીના પ્રદેશ પ્રમુખ ભરતભાઈ કોટીલાએ પોતાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ભરતભાઈ દોઢ વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપ પાર્ટીના મન ઘડત નિર્ણયથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું હતું
ભાજપની બાકીની ચાર બેઠકોના ઉમેદવારને લઈને મોટા સમાચાર આવ્યા છે. અમરેલીથી ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપી શકે છે. દિલીપ સંઘાણીના પત્ની ગીતાબેન સંઘાણીને ભાજપ ટિકિટ આપી શકે છે. કૉંગ્રેસ અમરેલીથી જેનીબેન ઠુમ્મરને લોકસભા લડાવી શકે છે.
કેતન ઈનામદારને સમજાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપના નેતાઓએ ઈનામદારને ફોન કર્યો હતો. પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ ઈનામદારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કેતન ઈનામદાર સાથે MLA અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા મુલાકાત કરશે. પૂર્વ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ સાવલી પહોંચ્યા હતા.
લોકસભાને લઈ કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર મંથન શરૂ કરાયું હતું. યુવા, ખેડૂતો, મહિલાઓના નામથી કૉંગ્રેસ 25 ગેરન્ટી આપશે. મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી કૉંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના cwcના તમામ સભ્યો હાજર રહ્યા છે. સાંજે ચાર વાગ્યે કૉંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક મળશે. ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન કરાશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મૉડમાં છે, પ્રથમ બે યાદી બાદ હવે ત્રીજી યાદી તૈયાર છે. આજે અથવા તો આવતીકાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ પહેલા ગુજરાતની આણંદ બેઠક પરથી અમિત ચાવડાની ચૂંટણી લડવાની વાતો સામે આવી છે. હાલમાં જ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આ વખતે લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી શકે છે. આ વખતે આણંદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઇ ચૂક્યુ છે. કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા અમિત ચાવડા તૈયાર થયા છે. ખાસ વાત છે કે, આણંદમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર થયા છે. આણંદ બેઠક પર પહેલાથી જ ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકીના સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે.
અમદાવાદ પૂર્વની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે હવે આ બેઠક પર રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહ પટેલ લોકસભાના ઉમેદવાર બનશે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર બની શકે છે હિંમતસિંહ પટેલ. આ પહેલા અમદાવાદ પૂર્વ માટે 2 નામ ચર્ચામાં હતા. હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાના નામ ચર્ચામાં હતા. રોહન ગુપ્તાનું નામ જાહેર થયા બાદ પિતાની તબિયતના કારણે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. હિંમતસિંહ પટેલ અમદાવાદના મેયર અને બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે.
ગાંધીનગર,અમદાવાદમાં ભાજપનો ભરતી મેળો યોજાશે. બનાસકાંઠામાં પૂર્વ MLA જોઈતા પટેલ ભાજપમાં જોડાશે. લેબજી ઠાકોર, ભરત ધુખ સહિતના નેતાઓ પણ ભાજપમાં જોડાશે. 100થી વધુ આગેવાનો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થશે.
કાંકરેજથી જિલ્લા પંચાયતના ઈશ્વર દેસાઈ પણ સમર્થકો સાથે ગાંધીનગર કમલમમાં ખેસ ધારણ કરી ભાજપમાં જોડાશે. જોઇતા પટેલ 2012 થી 2017 સુધી કોગ્રેસના ધારાસભ્ય હતા
અન્ય પક્ષના નેતાઓને મહત્વની જવાબદારી આપતા ઈનામદાર નારાજ હતા. નવા જોડાયેલા નેતાઓને જવાબદારીથી તેઓ નારાજ હતા. કુલદિપસિંહ,બાલકૃષ્ણને જવાબદારી સોંપાતા નારાજગી હતી. કુલદીપસિંહે 2022માં કૉંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. કેતનભાઈના સમર્થકો પણ હોદ્દા પરથી રાજીનામા આપશે.
કૉંગ્રેસમાંથી આવેલ કુલદિપસિંહને પ્રભારી બનાવતા કેતન ઇનામદાર નારાજ હતા. વાલજીભાઇએ કહ્યું કે સાવલી તા.પં.ના સમગ્ર સભ્યો રાજીનામું આપશે. સાવલી તા.પં.ના ઉપપ્રમુખ પણ રાજીનામું આપશે. કૉંગ્રેસમાંથી આવેલ કાર્યકર્તાઓને સલામ નહીં ભરીએ.
બનાસકાંઠાથી ભાજપના ભરતી મેળામાં અનેક આગેવાનો પહોંચશે. કમલમ ખાતે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ પણ કેસરિયો ધારણ કરશે. ઠાકોર સમાજના આગેવાન અને ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડનાર લેબજી ઠાકોર પણ ભાજપમાં જોડાશે.
કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપતા લેબજી ઠાકોરની ભાજપને જરૂર પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ સાથે 25 થી વધુ હોદ્દેદારો અને 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. કાંકરેજથી જિલ્લા પંચાયતના ડેલિકેટ ઈશ્વર દેસાઈ પણ ટેકેદારો સાથે કેસરિયો ધારણ કરશે.
કેતન ઇનામદારના રાજીનામા પર ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે મીડિયાના માધ્યમથી મને રાજીનામાની ખબર પડી છે. કેતનભાઈ સાથે મારો સંપર્ક થઈ શક્યો નથી. કેતનભાઈએ કેમ રાજીનામું આપ્યું તેની ખબર નથી. નારાજગી વિશે કેતનભાઈએ ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે કેતનભાઈ વિસ્તારમાં સક્રિય ધારાસભ્ય છે. તેમણે મારી ઉમેદવારીને પણ વધાવી હતી.કેતનભાઈનો સંપર્ક કરી સમજાવવાનો કરીશ પ્રયાસ. કેતનભાઈએ PM મોદીને પોતાના પ્રેરણા માન્યા હતા. કેતનભાઈનો સંપર્ક થશે ત્યારે તેને મનાવીશ.
રાજીનામું ઈ-મેઈલ કર્યા બાદ કેતન ઈનામદારે સ્પષ્ટતા કરી હતી કે આત્મસન્માનથી મોટુ કોઈ નહીં. આત્મસન્માનનો અવાજ ભાજપના અનેક કાર્યકર્તાઓમાં છે. તેમણે કહ્યું કે ભરતી મેળાથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મહેનત કરીશ. આત્મસન્માનના ભોગે રાજનીતિ ન હોય. લોકસભાની ચૂંટણીને લઈ કોઈ નારાજગી નથી.
કેતન ઇનામદારે કહ્યું કે મે તમામ સ્તરે મારી રજૂઆત કરી હતી. ભરતી મેળાથી માત્ર હું જ નહીં, અનેક કાર્યકર્તા નારાજ છે. માનસન્માનને ઠેસ પહોંચતા રાજનામું આપ્યું છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. ભાજપ પરિવારના જૂના સભ્યો અપમાનિત થઇ રહ્યા છે. રંજનબેનની ઉમેદવારીથી કોઈ નારાજગી નથી. રંજનબેને વડોદરા વિસ્તારની સેવા કરી છે. રંજનબેનને મોટી લીડથી જીતાડવાના પ્રયાસ કરીશ.
તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં સાવલી બેઠકથી ભાજપને મહત્તમ લીડ અપાવીશ. ભાજપમાં જૂના કાર્યકર્તાઓ અપમાનિત થતા હોવાનો ઈનામદારે આરોપ લગાવ્યો હતો. મારા જેવી જ નારાજગી ભાજપના કાર્યકર્તાઓના આત્મામાં છે. મારા નારાજગીનો અવાજ અનેક કાર્યકર્તાઓનો છે.
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય સાવલી કેતન ઈનામદારે બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપમાં પાયાના કાર્યકર્તાઓ દુઃખી છે. ભાજપમાં ભરતી મેળાથી અનેક કાર્યકર્તાઓ દુઃખી છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. ભાજપના તમામ કાર્યકર્તાઓ મારી વાતને સમજે છે.
પરિવાર મોટો કરવા જૂના સભ્યોને અપમાનિત કરવા અયોગ્ય છે. ભાજપ પરિવાર મોટો કરવો યોગ્ય,કાર્યકર્તાઓના ભોગે નહીં. કાર્યકર્તાઓએ લોહી રેડીને પક્ષને મજબૂત કર્યો છે. અન્ય પક્ષના નેતાઓથી જ લીડ વધશે તે વિચાર અયોગ્ય છે. જૂના કાર્યકર્તાઓને પરિવાર બહાર કાઢવા અયોગ્ય છે. રંજનબેનને સંપૂર્ણ રીતે સમર્થન કરીશ.
બ્રેકગ્રાઉન્ડ
Election 2024 Live Update: ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હતું. વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે.
વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને કેતન ઈનામદારે મોડી રાતે જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે પોતાના ત્રણ લાઈનના પત્રમાં લખ્યું હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. કેતન ઈનામદારે ત્રણ લાઈનનું રાજીનામું લખ્યું હતું. તેમણે મોડી રાત્રે 1.35 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઈનામદાર પ્રથમ ધારાસભ્ય છે. કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ ધારાસભ્ય બન્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂઆત કરી હતી.
કેતન ઈનામદાર સહકારી ક્ષેત્રમાં પણ પકડ ધરાવે છે. તેઓ બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. તેઓ 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. જોકે ઈનામદારનું રાજીનામું અધ્યક્ષ સ્વીકારશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના ડૉ.જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા હતા. કૉંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઇનામદાર નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસીઓને જવાબદારી સોંપાતા તેઓ નારાજ થયા છે. વિધાનસભા અધ્યક્ષ રાજીનામું સ્વીકારે તેવી શક્યતા નહીંવત છે. સતીષ પટેલને જિલ્લા અધ્યક્ષ બનાવતા કેતન ઇનામદાર નારાજ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -