નવી દિલ્હી: ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કેંદ્રીય ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની 3 સહિત દેશમાં 10 બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે.
કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
24 જુલાઈએ મતગણતરી કરાશે
રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કૉંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવા લાગ્યું છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કોને રીપિટ કરવામાં આવશે અને કોને બહાર મોકલવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી ફરી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પૂરે પૂરી સંભાવના છે.
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. તેમાં સંપૂર્ણ રીતે ભાજપનો દબદબો જોવા મળશે. કારણ કે વિધાનસભામાં કૉંગ્રેસની નબળી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આ સ્થિતિમાં પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે. અન્ય બે બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યસભાના અન્ય બે સભ્યો જેમનો કાર્યકાળ પૂર્ણ થશે. જેમાં જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયાના નામનો સમાવેશ થાય છે. ચર્ચા છે કે પાર્ટી આ બંનેની જગ્યાએ નવા ચહેરા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને તક આપી શકે છે.
ગુજરાતમાં આ વખતે ત્રણ રાજ્યસભા બેઠકો પૈકી બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ચહેરા બદલે તેવી શક્યતાઓ છે. ભાજપ વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરી શકે છે. જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે.