જૂનાગઢ: ગીર અભ્યારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે. ગીરમાં આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. પ્રતિબંધની અમલવારી માટે 6 ટીમોની રચના કરાઈ છે. ગિરનાર પર આવેલા અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને દાતાર મંદિર પાસે પણ ટીમો તહેનાત રહેશે. આ મંદિરોની આસપાસની સફાઈની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપાઈ છે.
ગિરનાર પર અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિરની આસપાસ ગંદકીના વિવાદમાં હાઈકોર્ટના નિર્દેશો બાદ રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, કચ્છના રણમાં પણ પ્લાસ્ટિકની ગંદકી જોવા મળે છે. સરકાર એનું પણ ધ્યાન આપે. કોર્ટે એ પણ નોંધ્યું કે, સૌ પ્રથમ અધિકારીઓએ સંવેદનશીલ થવું પડશે. લોકોમાં સંવેદનશીલતા લાવી શકાશે. 8 માર્ચના મહાશિવરાત્રિના મેળાને લઈ અત્યારથી જ પગલા લેવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે. 28 માર્ચ સુધીમાં વિસ્તૃત એક્શન પ્લાન સાથેની વિગતો રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે.
ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામુ ફાઈલ કર્યું હતું. 23 ફેબ્રુઆરીએ જૂનાગઢ કલેક્ટરની આગેવાનીમાં ગિર ઇકો સેન્ટર સેન્સેટિવ ઝોન મોનિટરીંગ કમિટીની મિટિંગ મળી હતી. જેમાં ગિર ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 અને 2 માર્ચના કમોસમી વરસાદ વરસશે.
કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન
1 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. 2 માર્ચના ગીર સોમનાથ, વલસાડ અને નવસારી જિલ્લામાં માવઠું પડશે. આજે કેશોદ સૌથી ઠંડુંગાર રહ્યું છે. કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભૂજ, ડીસા અને રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.