Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. આ દરમિયાન પંચમહાલ લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાસુ અને વહુએ દાવેદારી નોંધાવી હતી. કાલોલના પૂર્વ MLA સુમનબેન ચૌહાણ અને તેમના સાસુ રંગેશ્વરીબેન પ્રભાતસિંહ ચૌહાણે દાવેદારી નોંધાવી હતી. રંગેશ્વરીબેન ચૌહાણ પૂર્વ સ્વ. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના ધર્મ પત્નિ છે અને સુમનબેન ચૌહાણ કાલોલના પૂર્વ ધારાસભ્ય છે.
ગુજરાત ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલા જ દિવસે કયા 5 દિગ્ગજોના નામ આવ્યા હતા ચર્ચામાં?
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે સંદર્ભે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકસભાના ઉમેદવારોની પસંદગી સંદર્ભે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રથમ દિવસે 5 બેઠકો પર દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં આવ્યા હતા.
- જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનું નામ મોખરે છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એકપણ દાવેદારી કરવામાં આવી નહોતી. અમિત શાહ ફરીથી ચૂંટણી લડે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.
- મહેસાણા ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર લોકસભાની ચૂંટણી લઈ કુંવરજીભાઈ બાવળીયા, જયંતીભાઈ કવાડિયા, જાનકીબેન વ્યાસ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પર્સનલ પી એ બાયોડેટા સાથે હાજર રહ્યા હતા. નીતિન પટેલે લોકસભા મહેસાણા બેઠક માટે ટિકિટ માંગી હતી.
- સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા રાજકોટમાં પ્રદેશ ભાજપના નિરીક્ષક મયંક નાયક સહિતના આગેવાનો પહોંચ્યા હતા. રાજકોટ કમલમ ખાતે આજે અપેક્ષિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓનો મેળાવડો જોવા મળ્યો હતો.. સેન્સ આપવા માટે અલગ અલગ 10 જેટલા દાવેદારો પહોંચ્યા હતા. સૌથી વધુ કડવા પાટીદાર અગ્રણીઓએ સેન્સ આપી હતી. આ બેઠક પરથી પરસોતમ રૂપાલાનું નામ ચર્ચામાં આવ્યું હતું.
- ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. અમદાવાદ પૂર્વ બેઠક પર સેન્સ માટે ભાજપ સંગઠન દ્વારા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સુરતના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને જવાબદારી સોંપી હતી.
ગુજરાતમાં ભાજપનો તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનો ઈરાદો
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુના વોટથી જીતવાનું નક્કી કર્યુ છે અને આ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યા છે.