રાજ્યભરમાં ખનીજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2025 પૂર્ણ થતાની સાથે જ નવું વર્ષ 2026 શરૂ થતા ખનીજ વિભાગ તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર, ટ્રક અથવા ટ્રેકટર સહિતના વાહનો જો ગેરકાયદે ખનીજ વહન કે ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલો દંડ ભરપાઈ કરીને છોડી મૂકાતા હતા અને ફરીથી તે જ વાહનો ગેરકાયદે ખનીજ પ્રવૃતિમાં સક્રિય થઈ જતા હતા.

Continues below advertisement

હવે આ સિસ્ટમ બંધ કરી દેવાનો ખાણ ખનીજ વિભાગે નિર્ણય કર્યો છે. નવા નિયમ મુજબ જો હવે કોઈ વાહન ખનીજ ચોરીમાં ઝડપાશે તો ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે. એક મહિના સુધી કોઈ સમાધાન થશે નહીં. નવા નિયમ મુજબ વાહન જપ્ત થયાના 10 દિવસ સુધી કોઈ અરજી પણ સ્વીકારવામાં નહીં આવે. 30 દિવસ સુધી વાહનના માલિકની ઓળખ, ચાલકની ઓળખ અને તેના ઈતિહાસની તપાસ થશે બાદમાં સમાધાન કરવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. આટલું જ નહીં જો કોઈ વાહન ત્રણ વખત ખનીજ ચોરીમાં ઝડપાશે તો વાહન સરકાર હસ્તગત થઈ જશે. આ નિર્ણયથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નોંધનીય છે કે અમદાવાદમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. રેતી સહિતની ખનિજોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ડમ્પર માલિક સુરેશ ભરવાડની દાદાગીરી સામે આવી છે. ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે બે ડમ્પર રોક્યા હતા. ગેરકાયદેસર રેતી ભરીને જતા હોવાથી સરખેજ પોલીસ સ્ટેશન ડમ્પર લઈ જવા પોલીસે કહ્યું હતું. જે બાદ મકરબા રોડ પર ખાણ ખનીજ વિભાગની ચેકિંગ દરમિયાન ડમ્પર માલિકે ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાત્રિના સમયે ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેથી ખનીજ ચોરી રોકવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન  મકરબા રોડ પરથી બે ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેથી ખનીજ વિભાગના કર્મચારીઓએ બંને ડમ્પર ઊભા રાખ્યા હતા. જે બાદ ડમ્પરમાં ચેક કરતા સાદી રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. બંને ડમ્પરમાં અંદાજે 30- 30 મેટ્રિક ટન રેતી ભરી હતી.  જેથી પોલીસે ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગી હતી. પરંતુ ડમ્પર ચાલકોએ પોલીસ સ્ટેશન જવાના બદલે ડમ્પર ભગાવી દીધું હતું. ખનીજ માફીયાએ ખનીજ વિભાગના અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સરખેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement