Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18 લોકોના મોત થયા છે.

Background
Explosion at illegal fireworks factory : બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ભીષણ આગમાં 18 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 18 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે.
આ દુર્ઘટનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.
પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી
આ ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહી રહ્યાં છે. આ ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું. પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.જેના કારણે કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.
સમગ્ર દુર્ધટનાને લઇને બનાસકાંઠાના સાંસદ ગેનીબેને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઘટનાને લઇને સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે. ડીસાની દુર્ઘટનાને લઈ ગેનીબેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વહીવટી પ્રશાસનની ભૂલના કારણે દુર્ઘટના બની છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી થવી જોઇએ. મંજૂરી અપાય છે ત્યારે કેમ તમામ બાબતોને ધ્યાને નથી લેવાતી ? ઘટનાની જાણ થતાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે. સમગ્ર ધટનાને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણકારી મેળવી છે અને સત્વરે સહાય માટે આદેશ આપ્યા છે.
SITની રચના કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થયેલા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટના કેસમાં SITની રચના કરવામાં આવી છે. એક DySp અને બે PI, બે PSIનો SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસાના ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઇ વી જી પ્રજાપતિ, પી આઈ એ.જી. રબારી , પીએસઆઈ એસ બી રાજગોર અને એન વી રહેવરનો એસઆઇટીમાં સમાવેશ કરાયો છે.
કોલસા જેવા થઇ ગયા છે મૃતદેહો, ઓળખ કરવી મુશ્કેલ
હાલમાં મળતા અપડેટ પ્રમાણે, ડીસાની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 17 મૃતદેહો લવાયા છે, આગમાં સળગી જવાના કારણે તમામ મૃતદેહો બળીને ખાખ, કોલસા જેવા થઇ ગયા છે જેના કારણે પોસ્ટમોર્ટમ કરવું અને મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ગૉડાઉનમાં 23 લોકો હોવાની વાત પણ સામે આવી છે. ડીસા ફટાકડા ફેક્ટરીના ગૉડાઉનનો નફ્ફટ માલિક ફરાર દીપક ખુબચંદનો હજુ સુધી કોઇ અત્તોપત્તો નથી. આગ લાગ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. ફટાકડાની ફેક્ટરી પર નિરીક્ષણમાં બેદરકારી દાખવનારો અધિકારી સામે તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.
આગ કેવી રીતે લાગી ?
મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં રાખેલા એક બોઇલરમાં વિસ્ફોટ થયો હતો. જેને પગલે ફેક્ટરી આગની લપેટમાં આવી હતી. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની દિવાલ પણ ધરાશાયી થવા પામી છે. અહીં મુદ્દો એ છે કે, ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર કેમ રાખ્યું હતું.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આરસીસી સ્લેબ તૂટી પડ્યો
બનાસકાંઠા જિલ્લા કલેકટરે વાત કરતાં જણાવ્યું કે, આજે સવારે અંદાજે પોણા દસ વાગ્યાના અરસામાં ડીસાના ઢૂવામાં એક પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા તો તરત જ ફાયર ફાઇટર ટીમને રવાના કરી એમણે આગને કાબુમાં લીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આરસીસી સ્લેબ તૂટી નીચે પડી ગયો હતો. નીચે કોઇ દટાયેલું છે કે એ માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
અત્યાર સુધી 20 મૃતદેહો બહાર કઢાયા
બનાસકાંઠાના ડીસમાં થયેલા ગેરકાયદે ફટાકડા ગૉડાઉનના વિસ્ફોટમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, એસડીઆરએફની ટીમો અને ફાયરફાઇટર દ્વારા બચાવ કામગીરી યથાવત છે. કાટમાળમાંથી અત્યાર સુધી 20થી વધુ મૃતદેહોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. ગૉડાઉનના માલિક હાલમાં ફરાર છે. વિસ્ફોટ મામલે એક પછી એક રાજનેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
ફટાકડા ફેક્ટરીમાં દૂર્ઘટના મુદ્દે ગેનીબેને દુઃખ વ્યક્ત કર્યુ
ડીસાની દૂર્ઘટનાને લઈ બનાસકાંઠા સાંસદ ગેનીબેને દુઃખ વ્યક્ત કર્યુ છે અને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યો છે, તેમને કહ્યું કે, વહીવટી પ્રશાસનની ભૂલના કારણે દૂર્ઘટના સર્જાઇ છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મંજૂરી અપાય છે ત્યારે કેમ તમામ બાબતોને ધ્યાને નથી લેવાતી.
બનાસકાંઠા કલેકટરે એબીપી અસ્મિતા પર મોટો ખુલાસો
ડીસા દૂર્ઘટના મામલે બનાસકાંઠા કલેકટરે એબીપી અસ્મિતા પર મોટો ખુલાસો કર્યો છે, તેમને કહ્યું કે, આ અગાઉ ફટાકડાના કારખાના માટેનું નહીં પણ સ્ટોરેજ માટેનું લાયસંસ અપાયુ હતુ. સ્ટોરેજ માટેનું લાયસંસ પણ રિન્યૂ ન હતું થયું ફેક્ટરીમાં રખાયેલો ફટાકડાનો જથ્થો પણ ગેરકાયદેસર હતો. ફટાકડાના સ્ટોરેજ માટેનું લાયસંસ ના આપવા અભિપ્રાય પણ અપાયો હતો. 31 ડિસેમ્બર 2024ના સ્ટોરેજ માટેનું લાયસંસ પણ રદ્દ થયું હતું. માર્ચ 2025માં ગોડાઉન ખાલી હોવાનો પોલીસનો અહેવાલ છે.
ભૂપેન્દ્ર પટેલે ડીસા વિસ્ફોટની ઘટનાને લઇને કર્યુ ટ્વીટ
મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને પ્રભારી મંત્રી સાથે પણ તેમણે વાત કરી છે. બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના આપવામાં આવી છે.
કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે
JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.
18 શ્રમિકોના મોત નિપજ્યા
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં 18 શ્રમિકોના મોત નિપજ્યા છે. ભીષણ આગમાં 18 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે.