ગુજરાતીઓનો ચા પ્રેમ ખૂબ જાણીતો છે. ઘણા લોકોને દિવસમાં ચાર થી પાંચ વખત ચા પીવાની હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં ચા પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે અને સંક્રમિત વ્યક્તિ પણ જલદી ઠીક થઈ જતાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ચા પીવાથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરતાં લખ્યું, આ દાવો બોગસ છે. ચા પીવાથી કોરેના વાયરસનું સંક્રમણ ઘટાડી શકાય છે તેવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.



નોંધનીય છે કે, સોમવારે રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સોમવારે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511  પર પહોચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11  ટકા છે. વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે