બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામના ખેતરના એક રહેણાંક મકાનમાંથી  નકલી ચલણી નોટ બનાવવાની ફેકટરી ઝડપાઇ છે.  બનાસકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરના મકાનના ભોંયરામાં ચાલતી નકલી નોટ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે. નકલી ચલણી નોટ બનાવવાની ફેક્ટરી જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.  પોલીસે નકલી નોટ બનાવવાની સામગ્રી સાથે મોટી માત્રામાં નકલી ચલણી નોટો ઝડપી પાડી છે.  પોલીસે 2 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસને 39 લાખની ડુપ્લીકેટ નોટો મળી

ડીસાના મહાદેવિયામાં ઝડપાયેલ નકલી નોટ મામલે ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પાંચ પ્રિન્ટરના માધ્યમથી 500 રૂપિયાની નકલી નોટો છપાતી હતી. પોલીસને 39 લાખની ડુપ્લીકેટ નોટો મળી આવી છે. બે આરોપીની અટકાયત કરવામાં આવી તો અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે.  LCB પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ફેક્ટરીને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મહાદેવિયા ગામના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. નકલી નોટ બનાવવાની આ ફેક્ટરીને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

500 રૂપિયાના દરની નકલી નોટ મોટી સંખ્યામાં પોલીસને મળી હતી. આરોપીઓ કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને આ નોટ બનાવતા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમાં   500 રુપિયાના દરની નકલી નોટો, અલગ-અલગ સીરીઝ નંબરની 5 હજારથી વધારે નકલી નોટો મળી આવી છે.  ઝેરોક્ષના કાગળો, અનિયમિત આકારમાં કાપેલી નોટ,  ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નોટ પણ મળી આવી છે.

રેડ દરમિયાન અંદાજે 40 લાખની આસપાસ મુદ્દામાલ જપ્ત

નકલી નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા 5 કલર પ્રિન્ટર મળી આવ્યા છે.  ઝેરોક્ષના કાગળ, પેપર કટર, કલર ઈન્ક  અને અન્ય સાધનો પણ પોલીસને મળી આવ્યા છે.   પોલીસે આ રેડ દરમિયાન અંદાજે 40 લાખની આસપાસ મુદ્દામાલ જપ્ત કર્યો છે.  પોલીસે બંને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નકલી નોટના રેકેટમાં કોણ-કોણ સામેલ છે તેને લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ અંતિમ સત્ય સામે આવશે.