Gujarat Rain:  મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Continues below advertisement

જ્યારે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું હતું. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નર્મદાના નાંદોદમાં ચાર ઈંચ, ઉમરપાડામાં પણ ચાર ઈંચ, ઝઘડિયામાં સવા ત્રણ ઈંચ, બાલાસિનોરમાં 3 ઈંચ, ગરુડેશ્વરમાં પોણા ત્રણ ઈંચ વડોદરામાં સવા બે ઈંચ, કડાના, વાલિયામાં બે ઈંચથી વધુ, સંતરામપુરા, ધનસુરા, ગોધરામાં 2-2 ઈંચ,લુણાવાડામાં 2, પેટલાદ, મોડાસામાં 2-2 ઈંચ ,પાદરા, વસો, માતરમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે, કેમ કે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર આજે 207.46 મીટર પર પહોંચી ગયું, જે ખતરાના નિશાનથી બે મીટર ઉપર છે. યમુના નદીના જળસ્તરે વર્ષ 2010નો રેકોર્ડ તોડી નાખ્યો છે. હરિયાણાના હથિનીકુંડ બેરાજમાંથી 1 લાખ 6 હજાર ક્યૂસેક પાણી છોડાયું હતું.  એટલુ જ નહીં, વજીરાબાદ બેરાજમાંથી પણ 1 લાખ 9 હજાર ક્યૂસેક જ્યારે ઓખલા બેરાજમાંથી બે લાખ 3 હજાર ક્યૂસેક પાણી છોડાયું હતું જેના કારણે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. મોડી રાત્રે દિલ્હી સચિવાલય સુધી પાણી પહોંચી જતા પાણીના નિકાલ માટે મશીનોની મદદ લેવી પડી હતી. આંબેડકર કોલોની વિસ્તાર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીં 30થી વધુ ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત યમુના બજાર, કાલિંગ કુંજ, ગીતા કોલોની જેવા વિસ્તારો પણ પાણીમાં ડૂબ્યા છે.