પંચમહાલમાં ખેતીની જમીન સમતલ કરવાને લઇને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પંચમહાલમાં ખેતી જમીન સમતલ કરવા બાબતે ફાયરિંગ થયું હતું. ગોધરા તાલુકાના ખજૂરી ગામમાં ખેતીની જમીન સમતલ કરવા બાબતે ખેડૂતો વચ્ચે લડાઇ થઇ હતી. જેમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.




જો કે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે ફાયરિંગ કરનારા સિકંદર દાત નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી હથિયાર 10 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.


ડીસામાં જૂથ અથડામણથી વાતાવરણ તંગ


બનાસકાંઠામાથી વધુ એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર અથડામણના વીડિયો સામે આવ્યા છે. જિલ્લાના ડીસામાં એક જ સમાજના ટોળા સામસામે આવી જતા વાતાવરણ તંગ બની ગયુ હતુ. માહિતી પ્રમાણે, ડીસાના ઇન્દિરાનગર-ધોળીયાકોટ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થઇ હતી, ઘર્ષણ બાદ જૂથ અથડામણ થઇ હતી. આ ઘટનામાં લોકો પથ્થરો અને ધોકા વડે મારામારી કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નાના બાળકોથી લઇને મોટા લોકો એકબીજાની સામસામે પથ્થરો મારી રહ્યાં છે. જૂથ અથડામણ બાદ શહેરમાં ભયનો માહોલ છવાઇ ગયો છે, આ મામલે હજુ સુધી કોઈજ પોલીસ ફરિયાદ  થઇ નથી.


ઉમરેઠમાં જૂથ અથડામણ, એક જૂથ લાકડી-ડંડા લઇને બીજા પર તુટી પડ્યુ


આણંદ જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, અહીં બે જૂથો વચ્ચે જબરદસ્ત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. જોકે, પોલીસ બાદમાં ટોળા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના ઉમરેઠનાં ઓડ બજારમાં ગઇકાલે બે જૂથો વચ્ચે તંગદિલી જોવા મળી હતી. અહીં ઓડબજાર તકિયા વિસ્તારમાં બે જૂથો અચાનક કોઇ વાતને લઇને મારામારી પર ઉતરી આવ્યા હતા, પહેલા બન્ને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, બાદમાં એક કોમનું ટોળું હાથમાં લાકડીઓ અને ડંડાઓ લઇને બાઈક પર ઘસી આવ્યુ હતુ. બાદમાં બન્ને જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જોકે, બાદમાં પોલીસે એક્શન લેતા ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. ઉમરેઠ પોલીસે આ મામલે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે