ગાંધીનગર:  ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં  બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે.  ખેડૂતોની માંગ છે કે  સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે.  અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન  થયું છે. 


મોડાસા તાલુકાના વણિયાદ, કોકાપુર સહિતના ગામોમાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું પરંતું કરા સાથે વરસાદ વરસતા તરબૂચના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ વેપારીઓ સાથે તરબૂચના સોદા પણ કરેલા જો કે  માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે. 


બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે.  ઘઉં, રાયડો, એરંડો,  જીરું અને બટાટા સહિતના પાકને નુકસાન થયું છે.   પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગઈકાલે એક કલાક ધોધમાર વરસાદ વરસતા યાર્ડ પાણી-પાણી થયું હતું.  યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી.   રાયડો, એરંડો,  ઈસબગુલ સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.   અંદાજે 5 હજાર કરતાં વધુ બોરી ભરેલો માલ પાણીમાં પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું છે.  પાટણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે.  સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે 2 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકને નુકસાન થયું છે.  


અરવલ્લીમાં લેડી સિંઘમનો સપાટો


અરવલ્લી: ફરી એકવાર ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા ઉડ્યા છે. અરવલ્લી ખાતે સ્ટેટ હાઇવે પર ગાંધીનગર વિજિલન્સ દ્વારા દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવી છે. દારૂની કારની પીછો કરતી વખતે મોડાસા પાસે પોલીસની ખાનગી કાર અને દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિજિલન્સના મહિલા પીઆઇ ઘાયલ છે. તેમની સાથે અન્ય એક પોલીસ કર્મી પણ ઘાયલ થયો છે. દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ફિલ્મી ઢબે વિજિલન્સ પોલીસે બુટલેગરોને પીછે કર્યો હતો. મહિલા પીઆઇ  એન.એચ. કુંભારએ હિંમતભેર દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. હાલમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આરોપીઓને લઈ જવામાં આવ્યા ચે.


આ અંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે,  વિજિલન્સના મહિલા પીઆઈ એન.એચ. કુંભારની હિંમતને હું બિરદાવુ છું જેમને અરવલ્લી જિલ્લાના સ્ટેટ હાઈવે પર દારૂ ભરેલી કારનો પીછો કરી ઝડપી પાડી છે. અરવલ્લી પોલીસ ભવન નજીક જ દારૂ ભરેલી કારને ટક્કર મારીને અટકાવી હતી. આ સમગ્ર ઘટનામાં વિજિલન્સના મહિલા પીઆઈ ઘાયલ થયા છે. તેમની આ બહાદુરી અને નીડર કામગીરીને હું બિરદાવુ છું. સાથે એ પણ તપાસ થાય કે અરવલ્લી જિલ્લામાં છાશવારે દારૂ ભરેલા વાહનો વિજિલન્સ ઝડપી રહી છે તો આ દારૂની લાઈનો કોણ ચલાવી રહ્યું છે તેની પણ ઝીણવટ ભરી તપાસ થાય અને જો કોઈભ્રષ્ટ પોલીસ અધિકારી કે કર્મચારી સામેલ હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરું છું.