Fatal accident Dabhoi: રાજ્યમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો વચ્ચે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામ નજીક આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડભોઇ-બોડેલી રોડ ઉપર થયેલા આ અકસ્માતમાં એક બોલેરો પિકઅપ ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ મિત્રોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામ નજીક બોલેરો પિકઅપ અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ મિત્રો - હરેશભાઈ રામસીંગ રાઠવા, સુરેશભાઈ નેસિંગભાઈ રાઠવા, અને મુકેશભાઈ શનાભાઈ રાઠવા -ને ગંભીર ઈજાઓ થતાં કમકમાટી ભર્યા મોત થયા હતા.
મૃતક પૈકી સુરેશભાઈ નેસિંગભાઈ રાઠવા અને હરેશભાઈ રામસીંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશભાઈ શનાભાઈ રાઠવાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે યુવકને સમયસર સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
ત્રણ મૃતક મિત્રો પોતાના અન્ય એક મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે કવાંટ ગામ (છોટાઉદેપુર જિલ્લો) ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે ડભોઇ નજીક તેમને કાળનો કોળિયો બનાવનાર આ અકસ્માત નડ્યો હતો.
મૃતક પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ કર્મી મુકેશભાઈ શનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના રહેવાસી હતા. જ્યારે અન્ય બે મૃતક મિત્રો, સુરેશભાઈ રાઠવા અને હરેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી હતા. એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવાએ તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષા આપી હતી.
અકસ્માત સર્જાયા બાદ બોલેરો પિકઅપમાં સવાર લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, બોલેરોનો ચાલક અકસ્માત બાદ વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં જ ડભોઇ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને બોલેરો ચાલકને ઝડપી પાડવા માટે પણ તજવીજ હાથ ધરી છે.
લગ્ન પ્રસંગેથી પરત ફરતી વખતે ત્રણ યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારજનો અને મિત્રવર્તુળમાં ઊંડો શોક છવાઈ ગયો છે. એક પોલીસકર્મી અને પીએસઆઈ બનવાની આશા રાખતા બે મિત્રોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી છે. રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતો ફરી એકવાર ચિંતાનો વિષય બન્યા છે.