બનાસકાંઠા: રાજ્યભરમાં મકરસંક્રાંતિને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ હોય છે. એ...કાપ્યોના શોર સાથે આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાતું હોય છે પરંતુ બનાસકાંઠાના છેવાડાના ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી કારણ શુ છે કેમ નથી ઉજવતા ઉતરાયણનો તહેવાર સમગ્ર મામલે આજે ધાનેરાના ફતેપુરા ગામનો આ રિપોર્ટ જાણીએ.




વીસ વરસ અગાઉ ગામમાં પતંગોત્સવ ઉજવવાની મનાઇ કરવામાં આવી હતી


બનાસકાંઠાના છેવાડાના ધાનેરા તાલુકાનું ફતેપુરા ગામ જ્યાં વર્ષોથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી. આખરે આ ગામમાં એવું તો શું થયું કે ધાબા ઉપર એક પણ પતંગ જોવા નથી મળતી. આ મામલે ગામની મુલાકાતથી અનેક સવાલોના જવાબ મળ્યા. ફતેપુરા ગામની જો વાત કરવામાં આવે તો આ ગામમાં ધાબાની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ જ નહોતી અને બાળકો યુવાનો પડી જવાના ડરથી ગામના વડીલો એક બેઠક બોલાવી વીસ વરસ અગાઉ ગામમાં પતંગોત્સવ ઉજવવાની મનાઇ કરવામાં આવી અને ઉત્તરાયણના દિવસે પતંગની જગ્યાએ ગામની સફાઈ, દાન-દક્ષિણા અને જીવમાત્રની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.


વડીલોના માર્ગદર્શનનીના ભાગરૂપે ગામમાં આજે પણ ઉતરાયણનો તહેવાર નથી ઉજવાતો


જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓની મોજમાં અનેક પક્ષીઓ ઘાયલ પણ થતા હોય છે અને અનેક પક્ષીઓના મોત પણ થતા હોય છે. ધારદાર દોરી દ્વારા અનેક બાળકોના ગળા પણ કપાતા જોવા મળે છે ત્યારે વડીલોના માર્ગદર્શનનીના ભાગરૂપે ગામમાં આજે પણ ઉતરાયણનો તહેવાર નથી ઉજવાતો ત્યારે યુવા વર્ગ દ્વારા પણ આજ દિન સુધી પતંગ ચગાવવામાં આવી નથી.. આ ઉપરાંત પણ ગામમાં કોઈ મનમાની કરી જો પતંગ ચગાવે તો ગ્રામજનો દ્વારા દંડરૂપે 5 બોરી બાજરીનું દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે ૨૦ વર્ષથી આ પ્રણાલી ચાલુ હોવાથી હાલ ગામમાં એક પણ યુવાન પતંગ ચગાવતો જોવા નથી અને લોકો ઉતરાયણના દિવસે દાન ધર્મ કરી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.




આમ તો ગુજરાતમાં ઉતરાયણના તહેવારનું અનેરૂ મહત્વ હોય છે પતંગ રસિયાઓ સાથે દાન કરવાનો મહિમા પણ ગુજરાતમાં અનેરો જોવા મળી જાય છે પરંતુ ફતેપુરા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી આ નિર્ણયથી અનેક  લોકોને શીખ લેવાની જરૂર છે જ્યારે સરકારનું કરુણા અભિયાન આ ગામમાં સફળ સાબિત થાય તેમાં કોઈ નવાઈ નહીં.