Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે. પહલગામમાં થયેલા આ આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે. જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઇજા થઇ હતી. સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું પણ મોત થયું છે. તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા. આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી છે.  

આતંકી હુમલામાં ભાવનગરના એક વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું. મૃતક શૈલેષના પિતા સુરત આવવા માટે રવાના થઈ ગયા છે. શૈલેષના મૃતદેહને સુરત લાવવામાં આવશે અને સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પિતા-પુત્ર સંપર્કવિહોણા

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.  યતિષભાઈ પરમાર અને તેમના દિકરા સ્મિત પરમાર અને તેમના માતા કાજલબેન પરમાર શ્રીનગર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા.  પરિવારમાં માત્ર કાજલબેન પરમારનો સંપર્ક થઈ શક્યો છે જેમની સાથે ભાવનગરના પરિવારે વાતચીત કરી હતી.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઇ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, 16 તારીખે મારા પપ્પા અહીંયાથી 15 દિવસના ટુર માટે ગયા હતા, જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરારીબાપુની કથા સાંભળવાની હતી. ત્યાર પછી વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી છે. મારી મમ્મી સાથે વાત થઇ છે.