ખંભાતઃ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમની સામે એફઆઈઆર નોંધાઈ છે તેમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો છે. તેમની સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે.


ખંભાતમાં જેમની સામે ગુનો નોંધાયો છે તેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય પટેલ ઉપરાંત પિનાકિન બ્રહ્મભટ્ટ (શહેર ભાજપ પ્રમુખ), કલ્પેશ પંડિત (શહેર ભાજપ ઉપપ્રમુખ), યોગેશ શાહ (ભાજપ કાર્યકર), નાનકાભાઈ પટેલ (રામસેના), જયવીર જોષી (રામસેના), નંદકિશોર બ્રહ્યભટ્ટ (વીએચપી), કેતન પટેલ (હિન્દુ જાગરણ મંચ), નીરવ જૈન(હિન્દુ જાગરણ મંચ), અશોક ખલાસી (ભાજપ કાઉન્સિલર), રાજુભાઈ રાણા (ભાજપ કાઉન્સિલર), બલરામ પંડિત (ભાજપ કાર્યકર), પાર્થિવ પટેલ (ભાજપ કાર્યકર) અને મંગો શાહ (પૂર્વ કાઉન્સિલર)નો સમાવેશ થાય છે.

ખંભાતમાં રવિવારે થયેલાં કોમી રમખાણના પગલે પોલીસે કોઈ પણ સમાજના માણસોને કે આગેવાનોને કોઈ રેલી , સભા, સરઘસ કે અન્ય કોઈ પણ પ્રકારની જાહેર સભાને પરવાનગી નહીં આપવાની જાહેરાત કરી હતી. આમ છતાં મંગળવારે સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા. તેમણે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં અને સૂત્રોચ્ચાર કરવા માટે આહવાન કર્યું હતું.

ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનોએ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.