નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે ગુજરાતમાં માત્ર જૂનાગઢ, અમેરલી અને દેવભૂમી દ્વારકા જ કોરોના મુક્ત બાકી રહ્યા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. જેમાં ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, વડોદરા અને સુરતમાં જોવા મળી રહી છે. આ ત્રણ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.
ગુજરાતમાં ગઈ કાલે નવા 217 કોરોનાના કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 151 અને પછી સુરતમાં 41 કેસો નોંધાયા હતા. જોકે, વડોદરામાં 7 કેસો સામે આવ્યા હતા. જ્યારે ગઈ કાલે 79 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 45 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આ પછી અમદાવાદમાં 27, આણંદમાં 5, તેમજ છોટાઉદેપુર અને ખેડામાં 1-1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 16 વર્ષીય સગીરાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. આ સગીરાને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 48 વર્ષીય મહિલા, 73 વર્ષીય પુરુષ, 71 વર્ષીય પુરુષ, 56 વર્ષીય મહિલા, 62 વર્ષીય પુરુષ અને અન્ય એક 60 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાંથી 60 વર્ષીય પુરુષને બાદ કરતાં તમામને કોઈને કોઈ બીમારી હોવાનું સામે આવ્યું છે. 48 વર્ષીય મહિલાને હૃદયની બીમારી હતી.