દ્વારકાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોતની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાને કારણે પહેલું મોત થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના 69 વર્ષીય પુરુષનું કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત થયું છે.


ગત 15 તારીખે 69 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. 69 વર્ષીય પુરુષ તેની પુત્રી અને તેની દોહીત્રીને અમદાવાદથી ખંભાળીયા લાવ્યા હતા ત્યારે તેઓને કોરોનાનું સંક્રમણ થયું હતું અને બાદમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા.

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 655 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 27 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27317 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1664 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19357 દર્દી સાજા થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગર 15, ભરૂચ 10, અરવલ્લી 9, ભાવનગર 8, જામનગર 8, વલસાડ 5, રાજકોટ 4, આણંદ 4, પંચમહાલ 4, પાટણ 4, અમરેલી 4, બનાસકાંઠા 3, સાબરકાંઠા 3, મહેસાણા 2, જૂનાગઢ 2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દ્વારકા એક -એક કેસ નોંધાયા છે.