ગાંધીનગર: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અમુક સ્થળ પર ભારે વરસાદ પડી શકે છે.
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ તથા આસપાસના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રાવલથી ભાટિયા- કલ્યાણપુર જતા પુલ પર નદીની જેમ પાણી વહી નીકળ્યા છે. પુલ પરથી પાણી ફરી વળતા રોડ- રસ્તા બંધ થયા છે. રાવલ તથા આસપાસના રાણપરડા, સૂર્યવડર, ટંકારિયા, દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ છે. દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, ઓખા સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં તો મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા અને ચાર ઈંચ પાણી વરસાવી દીધુ હતું. જેના કારણે મોટાભાગના રોડ- રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ભાણવડ અને ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે દ્વારકાના ભદ્રકાળી ચોક, નવી નગરપાલિકા, ઈસ્કોન ગેટ, નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતાં. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યમાં શું છે જળાશયોની સ્થિતિ?
રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જેમાં હાલ 71.73 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 58.12 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી માત્ર એક જ ડેમ સૂંપૂર્ણ ભરેલો છે. કુલ જેમાં કુલ 32.77 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં પૈકી ત્રણ સંપૂર્ણ ભરેલા છે. હાલ કુલ 93.65 પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાંથી હાલ 28.45 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 પૈકીમાંથી 51 જળાશયો સંપૂર્ણ ભરેલા છે.હાલ કુલ 78.95 પાણીનો જથ્થો છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ પૂરા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.