નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. દમણગંગા, કાવેરી, અંબિકા, ઓરંગા, કીમ નદી ગાંડીતૂર બની છે. સુરત, નવસારી, વલસાડના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર,નવસારીમાં ધોધમાર વરસાદના કારણે કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.જેના કારણે ચીખલી અને ગણદેવી તાલુકાના નીચાણવાણા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.કાવેરી નદી કાંઠેના હરણ ગામમાંથી 70 પરિવારોનું સ્થળાંતર કરાયું છે.તો બીલીમોરા દેસરા વિસ્તારમાંથી 122 લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલ NDRFની ટીમ નવસારીના બીલીમોરમાં સ્ટેંડ ટુ રાખવામા આવી છે. સાથે જ ચીખલી અને ગણદેવી તાલુકામાં પણ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.આદર્શ ગામ પાસે આવેલ રીવરફ્રંટ પર નદીના પાણી ફરી વળ્યા છે. મંદિર અને આસપાની વસ્તુઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે. બોલાવ ગામના પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માંગરોળમાં આવેલ સિયાલક ગામ સંપર્ક વિહોણું બન્યું છે.