Brijrajdan Gadhvi Vs Devayat Khavad: ગુજરાતના લોકસાહિત્યના બે જાણીતા કલાકારો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. અગાઉ બંને વચ્ચે થયેલા વાકયુદ્ધ બાદ સમાજે મધ્યસ્થી કરી મઢડાના સોનબાઈ માતાના મંદિરે સમાધાન કરાવ્યું હતું. પરંતુ, આ સમાધાન લાંબું ટક્યું નહીં અને ફરીથી બંને કલાકારો વચ્ચે શબ્દોની તકરાર શરૂ થઈ ગઈ છે.


આ વખતે વિવાદની શરૂઆત બ્રિજરાજદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ડાયરામાં બ્રિજરાજદાને કોઈનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ ૨૦૨૫થી માત્ર સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજદાને ટોણો માર્યો હતો. આ કટાક્ષ દેવાયત ખવડને પસંદ આવ્યો નહીં અને તેમણે પણ વળતો જવાબ આપ્યો હતો.


દેવાયત ખવડે એક ડાયરામાં જણાવ્યું હતું કે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ બ્રિજરાજદાને તેમના વિશે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજરાજદાનને માતાનો મલાજો પણ નથી. દેવાયત ખવડે ગુસ્સામાં એમ પણ કહ્યું કે "હવે જો માફી માગું તો ડાયરા મુકી દઈશ." આ ઉપરાંત દેવાયત ખવડના પડકારનો જવાબ આપતા બ્રિજરાજદાને કહ્યું કે "મારે બોડીગાર્ડ રાખવાની જરૂર નથી." તેમણે કહ્યું હતું કે સમાધાન પછી પણ દેવાયત ખવડે ખૂબ ચાળા કર્યા હતા અને સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું.


બંને કલાકારો એકબીજાનું નામ લીધા વિના જાહેરમાં આક્ષેપબાજી કરતા હોય તેવા ઘણા વિડીયો સામે આવ્યા છે. આ વિવાદની શરૂઆત ૧લી જાન્યુઆરીના રોજ બ્રિજદાન ગઢવીના એક ડાયરામાં થઈ હતી. તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું હતું કે, "સાગર હમણાં કહેતો હતો કે, ૨૦૨૫થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે." આ નિવેદનને દેવાયત ખવડ પરના કટાક્ષ તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે દેવાયત ખવડે ૨૦૨૨માં જાહેરાત કરી હતી કે તેઓ ૨૦૨૫થી માત્ર પસંદગીના ડાયરા જ કરશે.


આ કટાક્ષનો જવાબ આપતા દેવાયત ખવડે એક ડાયરામાં બ્રિજદાન ગઢવી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "૨૦૨૨માં મેં નિવેદન આપ્યું હતું કે હું ૨૦૨૫માં સિલેક્ટેડ ડાયરા કરીશ, પરંતુ આ વાત કેટલાક લોકોને પચાવી શકાતી નથી. કલાકાર તરીકે લોકોએ મને પૈસા આપ્યા છે, ડાયલોગબાજી કરવા માટે નહીં. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ મારા વિશે બોલવામાં આવ્યું. તેમને માનો મલાજો પણ ન રહ્યો, ઓછામાં ઓછું માતાજીનું સન્માન તો જાળવવું જોઈએ. હું તો માતાજીના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી, પરંતુ જો હવે માફી માંગવાનો વારો આવશે તો હું ડાયરા કરવાનું છોડી દઈશ. જો કોઈ મને માફી માંગવા માટે મજબૂર કરશે, તો હું તે જ દિવસથી ડાયરા છોડી દઈશ."


આમ, બે લોકકલાકારો વચ્ચે થયેલું સમાધાન ફરી એકવાર તૂટ્યું છે અને બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ ક્યાં સુધી ચાલે છે અને શું ફરીથી સમાધાનના પ્રયાસો કરવામાં આવશે કે નહીં.


આ પણ વાંચો....


દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....