Karuna Ambulance: ગુજરાતમાં રંગબેરંગી પતંગોના ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પશુ-પક્ષીઓની સંભવિત ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારની કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ સેવા સજ્જ છે. પાછલા વર્ષોના આંકડાઓ અને વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ અંદાજે ૧,૪૭૬ ઇમરજન્સી કેસ નોંધાઈ શકે છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણીમાં ૭૫.૨૮% નો વધારો સૂચવે છે. એ જ રીતે, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમરજન્સી કેસ થવાની સંભાવના છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે.
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર જેવા મુખ્ય જિલ્લાઓમાં વિશેષ વધારો થવાની ધારણા છે. કરુણા અભિયાન હેઠળ, પશુ-પક્ષીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૧૯૬૨-KAA એમ્બ્યુલન્સની સંખ્યા ૩૭ થી વધારીને ૮૭ કરવામાં આવી છે. આ પગલું ગુજરાત સરકારની પશુ કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નાગરિકોને વિનંતી છે કે તેઓ હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સાવચેત રહે અને કોઈપણ પશુ કે પક્ષીની ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન પર જાણ કરે. ચાલો, આપણે સૌ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કાળજી અને કરુણાથી કરીએ. જાન્યુઆરી ૨૦૨૫માં પક્ષીઓને લગતા ઇમરજન્સી કેસનો આંકડો ૧૪મી તારીખે ૬૮૫ અને ૧૫મી તારીખે ૪૮૭ રહેવાની સંભાવના છે, જે સામાન્ય દિવસોના ૨૬ કેસની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઇમર્જન્સી કેસોમાં વધારો થવાની શક્યતા છે. ગયા વર્ષના આંકડા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ઇમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે EMRI (ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં ગયા વર્ષે ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ કોઈ પણ ઇમર્જન્સી પરિસ્થિતિમાં ૧૦૮ પર કોલ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....