હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વહીવટી પ્રશાસન પણ એલર્ટ છે. બનાસકાંઠા અધિક કલેક્ટર, ખેતી, પુરવઠા, બાગાયતી વિભાગના અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે સાવચેત રહેવા તાકીદ કરાઈ છે. apmcમાં જણસને સુરક્ષીત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

છેલ્લા કેટલાય દિવસ થી ઉતર ભારતમાં બરફ વર્ષાને લઇ ઠંડા પવનો સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે બનાસકાંઠામાં પણ 7 ડિગ્રી જેટલું તાપમાન નોધાયું છે. ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીને લઈ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

હવામાન દ્વારા 2થી 4 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ અધિક કલેકટરે ખેતી, પુરવઠા બાગાયત, જિલ્લા વિકાસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે.

જે અધિકારીઓના કાર્યક્ષેત્રમાં આવતા apmcમાં અનાજને સુરક્ષિત રખાવવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને પણ શાકભાજી, કપાસ, કઠોળ, બાગાયતી પાક અને ઘાસચારો સુરક્ષીત જગ્યાએ રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.