Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત આ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘ મલ્હાર જોવા મળશે અહીં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારેનું અનુમાન છે. આજની વાત કરીએ તોદક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 13 જિલ્લામાં વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે હવામાન વિભાગે વરસાદનુ યલો એલર્ટ જાહેર કર્યું છે.
મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે. અહીં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.05 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 33.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.
વરસાદના પગલે રાજ્યના 206 પૈકી 74 જળાશયો હાઈએલર્ટ પર છે. તો , 90 ટકાથી વધુ ભરાયેલા 52 ડેમ હાઈએલર્ટ પર છે તો 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 13 ડેમ વોર્નિંગ પર છે.