મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંડવી બજાર, હાટડીયા બજારમાં પાણી ભરાયા હતા. તે સિવાય હુસેની ચોક, પીપળી બજાર, વરધરી રોડ પર પણ પાણી ભરાયા હતા. ગઈકાલે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં લુણાવાડા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. વિરપુર તાલુકામાં પોણા ચાર ઇંચ, સંતરામપુર તાલુકામાં બે ઇંચ, ખાનપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. લુણાવાડા તેમજ વીરપુર શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

મહીસાગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. પાનમ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. લુણાવાડાની વેરી નદીમાં પણ નવા નીર આવ્યા હતા. નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

સુરેન્દ્રનગરના લખતરમાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું. મળતી જાણકારી અનુસાર, લખતર તાલુકાના લીલાપુર અને કારેલા ગામ વચ્ચે પસાર થતી ઉમય નદીના કોઝવે પરથી જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું.

જોકે ગામના લોકોએ ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી. લીલાપુર ગામના ગ્રામજનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો. ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય ટેકટરની મદદ લેવામાં આવી હતી. ઉમય નદીનો કોઝવે ઉપર પુલ બનાવવા માટે ઢાંકી, કારેલા, લીલાપુર, ઈંગરોળી જેવા ગામના લોકો દ્ધારા અનેકવાર સરકારમાં રજૂઆત લેખિત અને મૌખિક કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી આ કોઝવે ઉપર પુલ બનાવવામાં આવ્યો નથી. ચોમાસાના દિવસોમાં આ કોઝવે ઉપર પાણી હોય ત્યારે કારેલા અને ઇંગરોળી તેમજ ઢાંકી જવા માટે ગ્રામજનોને 30થી 40 કિલોમીટર ફરવા મજબૂર બનવું પડે છે.