અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. જ્યારે સૌરાષ્ટ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે.
આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરૂચના વાલિયામાં ભારે વરસાદ
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અને આગાહીકારો હજુપણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યાં છે. ગઇકાલે મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લામાં સાંબેલાદાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને સ્કૂલો અને કૉલેજોમાં રજાઓ જાહેર કરાઇ છે.
રાજ્યના ડેમ કેટલા ઓવરફ્લો
સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.
સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ
છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.