અમદાવાદ: રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં  એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. અનેક જિલ્લાઓમાં આજે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.   

Continues below advertisement


આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ 


આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


16 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની જોર વધશે


16 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.  આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. 


આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધી શકે છે.


ગુજરાતમાં 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 15 અને 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.


રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો


ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.