નર્મદા: ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં લોનના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. નિવાલ્દા ગામે બહેનોનું ગ્રૂપ બનાવી ૬૦ હજારની લોન આપવાની લાલચે ૧૮.૯૨ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. બહેનો સાથે છેતરપિંડી કરનાર આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતની આ યુનિવર્સિટીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બને છે પેટ્રોલ-ડીઝલ
વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલી રેલવે યુનિવર્સિટી, એટલે કે ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, ડીઝલ સહિતના ફ્યુઅલ તેમજ એની રાખમાંથી રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં વિદેશમાંથી પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેમજ યુદ્ધ જેવી સ્થિતિમાં એના ભાવ પણ આસમાને પહોંચે છે, ત્યારે એનો વિકલ્પ રેલવે યુનિવર્સિટીના રિચર્સ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.
જે પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણ ફેલાય છે અને એના મોટા ડુંગર ખડકાય છે તેમજ એનો નાશ કરવો પણ અશક્ય છે, હવે એમાંથી રેલવે યુનિવર્સિટી દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસ બનાવવામાં આવે છે, જેથી હવે ભવિષ્યમાં આપણે પેટ્રોલિયમ પેદાશો માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે અને સાથે જ કચરામાંથી પણ મુક્તિ મળશે અને એમાંથી 'કંચન' પેદા થશે. રેલવે યુનિવર્સિટીની લેબોરેટરીમાં પ્લાસ્ટિક પર રિચર્ચ દરમિયાન જુદાં-જુદાં તાપમાન પર જુદું-જુદું ફ્યુઅલ મળ્યું છે, જેમ કે 180 ડીગ્રી પર ડિસ્ટિલેટેડ પ્લાસ્ટોફ્યુઅલ, 200 ડીગ્રી પર ડિસ્ટિલેટેડ પ્લાસ્ટો ફ્યુઅલ, 230 ડીગ્રી પર મળેલું પ્લાસ્ટો ફ્યુઅલ અને રૉ પ્લાસ્ટો ફ્યુઅલ. પ્લાસ્ટિકમાંથી બનાવેલા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસની શુદ્ઘતા કેટલી છે એ પણ લેબમાં સ્થાપિત મશીનરીમાં માપવામાં આવે છે, જેથી ક્રૂડમાંથી મળેલા પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી મળેલા ફ્યુઅલની ગુણવત્તાની સરખામણી કરી શકાય છે.
2017 માં યુનિવર્સિટીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ- ડીઝલ બનાવવાના પ્રોજેકટમાં ભારત સરકારે 2.6 કરોડની સહાય કરી હતી. મિનિષ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 2022મા પણ મદદ કરાઈ હતી. અત્યાર સુધી 5 વખત 40 થી 50 લીટર પેટ્રોલ-ડીઝલ સફળતા પૂર્વક મેળવી ચુકી છે યુનિવર્સિટી. વડોદરા જિલ્લાના પાદરામાં રેલવે સ્ટેશનની નજીક વડોદરામાં સ્થાપિત પ્લાન્ટ કરતાં ચાર ગણો મોટા પ્લાન્ટની ભાવિ યોજના છે. જો ભારત સરકાર સાથે ખાનગી કંપનીઓનો સહયોગ વધે તો પ્રોડકશન વધી શકે છે.
મોરબી દુર્ઘટનાના મૃતકોના પરિજનોને વધારાનું વળતર ચૂકવાશે
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના બાબતે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કરેલા સોગંદનામાં મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને વધારાનું વળતર ચૂકવાશે. કુલ દસ લાખ રૂપિયાનું પ્રતિ મૃતક વળતર ચુકવાશે. ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂપિયા 1,00,000 વળતર ચૂકવાશે.
સોગંદનામાંમાં રહેલા વિરોધાભાસને લઈને પણ હાઇકોર્ટે ખુલાસો માગ્યો
આ ઉપરાંત રાજ્યના તમામ પુલોની સ્થિતિનો સર્વે કરીને કોર્ટમાં રજૂ કરવાનો રિપોર્ટ રાજ્ય સરકારે રજૂ ન કરતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ફરી કોઈ દુર્ઘટના ન બને તેના માટે તકેદારી જરૂરી હોવાનું હાઇકોર્ટનું અવલોકન. મોરબી નગરપાલિકા તેમજ રાજ્ય સરકારના સોગંદનામાંમાં રહેલા વિરોધાભાસને લઈને પણ હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે. આ પહેલા મુખ્યમંત્રી રાહત કોષમાંથી ચાર લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માંથી 2 લાખ રૂપિયા દરેકના પરિવારજનોને ચૂકવાયા હતા. આ ઉપરાંતના વધુ ચાર લાખ રૂપિયા સરકાર ચૂકવશે. કુલ દસ લાખની રકમ મૃતકના પરિજનોને આપવામાં આવશે.