સુરતઃ  108 ઈમરજન્સી સેવાની ફરી સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર મહિલાની ડિલિવરી કરાવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, યુવક પોતાની પત્નીને ચેક અપ માટે હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચતા જ મહિલાને લેબર પેઈન ઉપડ્યું હતું. જે બાદ 108ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સગર્ભા મહિલાને ત્યાંથી ખસેડવી જીવના જોખમ સમાન હતી. તેથી 108ની ટીમના સભ્યો દ્વારા બ્રિજ પાસે જ રિક્ષામાં ડિલિવરી કરાવાઈ હતી. મહિલા અને બાળક બંને હાલ સ્વસ્થ હાલતમાં છે. 108ની આ કામગીરીને લોકો પ્રશંસનીય ગણાવી હતી.


મોરબી દુર્ઘટનાના મૃતકોના પરિજનોને વધારાનું વળતર ચૂકવાશે


મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના બાબતે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કરેલા સોગંદનામાં મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને વધારાનું વળતર ચૂકવાશે. કુલ દસ લાખ રૂપિયાનું પ્રતિ મૃતક વળતર ચુકવાશે. ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂપિયા 1,00,000 વળતર ચૂકવાશે.


સોગંદનામાંમાં રહેલા વિરોધાભાસને લઈને પણ હાઇકોર્ટે ખુલાસો માગ્યો


આ ઉપરાંત રાજ્યના તમામ પુલોની સ્થિતિનો સર્વે કરીને કોર્ટમાં રજૂ કરવાનો રિપોર્ટ રાજ્ય સરકારે રજૂ ન કરતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ફરી કોઈ દુર્ઘટના ન બને તેના માટે તકેદારી જરૂરી હોવાનું હાઇકોર્ટનું અવલોકન. મોરબી નગરપાલિકા તેમજ રાજ્ય સરકારના સોગંદનામાંમાં રહેલા વિરોધાભાસને લઈને પણ હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે.


આ પહેલા મુખ્યમંત્રી રાહત કોષમાંથી ચાર લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માંથી 2 લાખ રૂપિયા દરેકના પરિવારજનોને ચૂકવાયા હતા. આ ઉપરાંતના વધુ ચાર લાખ રૂપિયા સરકાર ચૂકવશે. કુલ દસ લાખની રકમ મૃતકના પરિજનોને આપવામાં આવશે. 


મોરબી દુર્ઘટના મામલે ટીએમસી પ્રવક્તાના પ્રહાર


ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેને ૧૫૦૦૦ નાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આજે તેમને મોરબી કોર્ટેમાં રજુ કરવામાં આવ્યા હતા. મોરબીમાં આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડીએ ઝાલાએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આજે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો થયો છે.


 શું હતી ઘટના?


મોરબી પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી હતી. લોકપ્રતિનિધિત્વ એકટની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધાયા બાદ મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા. જે બાદ મોરબી કોર્ટે સાકેત ગોખલેને  15 હજાર રુપિયાના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.