કચ્છ: ગાંધીધામમાં રહેતા પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર તબીબ બને. તબીબ બનવાના સપના લઈ પિતા પુત્રની ઓળખાણ થઈ ભેજાબાજ ટોળકી સાથે અને તેઓ શિકાર બન્યા છેતરપિંડીના. જોકે, આ છેતરપિંડી નાની નહોતી પણ લાખોની હતી. આ મામલે પોલીસે ભેજાભાજ આરોપીઓની ધરપકડ કરી છે.


સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાના બહાને છેતરપિંડી


આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, કચ્છના ગાંધીધામમાં રહેતા રમેશભાઈ મકવાણાનો પુત્ર નિકુંજ હાલમાં 12 સાયન્સમાં પાસ થયો હતો. પરિવારની ઈચ્છા હતી કે પુત્ર તબીબ બને અને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળે તો સૌથી સારું. જેથી તેઓએ વડોદરાના ગોત્રી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસમાં એડમિશન માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. 


ટોળકીએ પિતા પાસેથી કુલ 65 લાખ રૂપિયા પડાવ્યા


આ દરમ્યાન તેમની ઓળખાણ આણંદના બોરસદના નીરવ સોની સાથે થઈ હતી. જે બાદ રમેશભાઈએ પોતાના પુત્રને એમ.બી.બી.એસ માં એડમિશનની વાત કરી.જેથી નીરવ સોનીએ પોતાની ગોત્રી મેડિકલ કોલેજમાં ઓળખાણ હોવાનું જણાવી શ્રેય દેસાઈ અને ગોવિંદ દેસાઈ અને  હિમાંશુ પટેલ ઉર્ફે ડોકટર સાથે ઓળખાણ કરાવી હતી. હિમાંશુ પટેલ પોતે ડોકટર ન હતો તે તેનું હુલામણું નામ હતું પરંતુ રમેશભાઈ ને તે ડોકટર જ લાગતા વધુ વિશ્વાસ બેઠો જેનો લાભ લઇ ટોળકીએ પિતા પાસેથી કુલ 65 લાખ રૂપિયા પડાવ્યા.


આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી


જોકે આ તમામ લેવડ દેવડ મેડિકલ કોલેજના ગેટ પર જ થઈ.આરોપીઓએ રમેશભાઈને મેડિકલ કોલેજની ફી ભરેલી રિસીપ્ટ પણ આપી પરંતુ જ્યારે પુત્ર નીરવ એડમિશન માટે કોલેજમાં ગયો ત્યારે ફી ની રસીદ નકલી નીકળી અને  ભાંડો ફૂટ્યો કે તેઓ છેતરાઈ ગયા છે. જોકે ફરિયાદને આધારે ગોરવા પોલીસે ભેજાબાજ ટોળકીના  નીરવ સોની, ગૌરવ દેસાઈ અને શ્રેય દેસાઈની ધરપકડ કરી છે અને ફરાર હિમાંશુ ઉર્ફે ડોકટરની શોધખોળ આદરી છે. પિતા અને પુત્ર કહી રહ્યા છે કે આરોપીઓએ છેતરપિંડી કરી તેની તો અમે ફરિયાદ કરી જ છે પરંતુ આરોપીઓ અન્ય યુવાનોના સપના સાથે રમત રમે અને કોઈ નાણાં ગુમાવી ખોટું પગલું ન ભરે તે માટે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે આ ટોળકીએ આ પહેલા કોઈની સાથે છેતરપિંંડી કરી છે કે નહીં.