ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતે યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અને પહેલો હાથ ધરી છે. આજે દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ્સની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે રાજ્યના યુવાનોને પોતાના નવીન સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં ગુજરાત સરકારે કામ કર્યું છે.


દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસિત કરવા માટે તેમજ દેશના યુવાનો ‘જોબ સીકર’ ને બદલે ‘જોબ ગિવર’ બને તે ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ મિશન શરૂ કર્યું છે. આ મિશન માટે કામ કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) પણ જાહેર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ માટે સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત એક કદમ આગળ વધી રહ્યું છે. SSIP હેઠળ સ્થાપિત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) દ્વારા ટુંક સમયમાં એક અત્યાધુનિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સર્વસમાવેશક સેન્ટર અત્યાધુનિક સુવિધાઓની સાથે ઉદ્યોગસાહસિકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું સૌથી મોટું કેન્દ્ર હશે, જ્યાં એકસાથે એક જ જગ્યાએથી 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.


ઉલ્લેખનીય છે કે, યુવાઓ સાથે સંકળાયેલા કાયદાકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી દર વર્ષે 12 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઊજવવામાં આવે છે. વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ ‘ગ્રીન સ્કિલ ફોર યુથ-ટુવર્ડ્સ સસ્ટેનેબલ વર્લ્ડ’ છે.


i-Hub દ્વારા વિકસિત સેન્ટરની વિશેષતાઓ


કો-વર્કિંગ સ્પેસ: i-Hubમાં આશરે 20,000 ચોરસ ફૂટની કો-વર્કિંગ સ્પેસ આવેલી છે, જે તમામ મૂળભૂત સુવિધાઓથી સજ્જ છે. હાલ તેની કામચલાઉ ફેસીલીટીમાં 150 સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે. 1,50,000 ચોરસ ફૂટનું સંપૂર્ણ નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં એકસાથે 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.


નેટવર્કિંગની તકો: i-Hub એ દેશ અને વિદેશમાં અનેક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જેનો લાભ સ્ટાર્ટઅપ્સને તેમની વૃધ્ધિ માટે મળશે.


ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ: તમામ સ્ટાર્ટઅપ્સને મીટિંગ રૂમ, સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પુરો પાડવામાં આવે છે, જેનો ઉપયોગ વિના મૂલ્યે અથવા ન્યૂનતમ ખર્ચે કરી શકાય છે.


360° મેન્ટરશિપ: માર્ગદર્શન અને મેન્ટરશીપ માટે સ્ટાર્ટઅપ્સને i-Hubના મેન્ટર બોર્ડની ઍક્સેસ આપવામાં આવી છે. આ મેન્ટર બોર્ડમાં બિઝનેસ મોડેલિંગ, ડિઝાઇનિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, સ્કેલ-અપ સ્ટ્રેટેજી વગેરે જેવા વિવિધ ડોમેન વર્ટિકલ્સના જાણીતા નિષ્ણાતોનો સમાવેશ થાય છે.


આઇપીઆર સપોર્ટ: i-Hub ઇન-હાઉસ સ્ટેટ આઇપી ફેસિલિટેશન સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપ્સને પેટન્ટ અને ટ્રેડમાર્ક સપોર્ટ પૂરો પાડે છે. i-Hub સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટેનો તમામ ખર્ચ રીએમ્બર્સ કરી આપવામાં આવે છે.


ભંડોળ સહાય: i-Hub વિવિધ યોજનાઓ હેઠળ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે. ઓપન ઇનોવેશન ચેલેન્જ પ્રોગ્રામ દ્વારા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સને રૂ.2.5 લાખ સુધી અને સ્ટાર્ટ-અપ સૃજન સીડ સપોર્ટ (𝐒𝟒) દ્વારા રૂ.10 લાખ સુધીનો સપોર્ટ આપવામાં આવે છે.


પ્રારંભિક તબક્કાના 500 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ


i-Hub દ્વારા વિકસિત આ અત્યાધુનિક સેન્ટરમાં ફ્લેક્સિબલ, પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને અનુકૂળ અને સહયોગી સહ-કાર્યકારી જગ્યાઓનું સંયોજન છે, જે વિચારોના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરશે. સાથે જ તેની ભવિષ્યવાદી અને અદ્યતન ટેક્નોલોજી સાથે બનાવવામાં આવેલી લેબમાં પ્રારંભિક સ્ટાર્ટઅપ માટેની તમામ સુવિધાઓ હશે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ (S4) દ્વારા આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં પ્રારંભિક તબક્કાના 500 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે.


150 ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને રૂ.7 કરોડની ગ્રાન્ટ


આ વર્ષે "સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ (S4)" કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા 150 ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ ને કુલ રૂ.7 કરોડની ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. 150 સ્ટાર્ટઅપ્સમાં, 46 ઇનોવેટર્સ છે, 104 કંપનીઓ રજિસ્ટર્ડ કંપનીઓ છે અને 92 સ્ટાર્ટઅપ્સ કે જે નોંધાયેલી કંપનીઓમાંથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. 150 સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સમાંથી, 22% ઇનોવેશનનું નેતૃત્વ મહિલા સ્થાપકો/સહ-સ્થાપકોએ કર્યું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન (ICT) ડોમેનમાં (24%), ત્યારબાદ હેલ્થકેર (15%), ક્લીન ટેક્નોલોજી (13%) અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ (11%) માં સૌથી વધુ સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ 2019, 2020 અને 2021 એમ સતત ત્રણ વર્ષો સુધી ગુજરાત બેસ્ટ પર્ફોમર રાજ્ય રહ્યું હતું. યુવાનોને રોજગાર આપીને, તેમને કૌશલ્ય પ્રદાન કરીને અને તેમને સન્માન અને ગૌરવ આપીને એક નવીન દ્રષ્ટિકોણ સાથે ગુજરાત સરકારે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારી છે.